Mumbai, તા.૨૯
અભિનેતા Hrithik Roshan પોતાની પૂર્વ પત્ની સુઝેન ખાનને જન્મદિવસની મોડી શુભેચ્છા પાઠવતાં સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી છે. સુઝેનની કેટલીક જૂની અને અગાઉ ન જોઈ હોય તેવી તસવીરો શેર કરીને ઋતિકે તેના વખાણ કર્યા છે. ખાસ વાત એ છે કે ઋતિકની હાલની ગર્લળેન્ડ સબા આઝાદે પણ આ પોસ્ટ પર હાર્ટ ઈમોજી દ્વારા પ્રતિક્રિયા આપી છે. સુઝેનના વર્તમાન પાર્ટનર અર્સલાન ગોનીએ પણ હાર્ટ ઈમોજી સાથે પ્રેમ વ્યક્ત કર્યો છે.
Hrithik Roshan પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ શેર કરી હતી. સુઝેનનો જન્મદિવસ ૨૬ ઑક્ટોબરે હતો, પરંતુ ઋતિકે બે દિવસ બાદ તેને શુભેચ્છા પાઠવી હતી. પોતાની પોસ્ટમાં તેણે સ્પષ્ટ કર્યું કે શુભેચ્છા મોડી જરૂર છે, પરંતુ દિલથી આપવામાં આવી છે. આ સાથે તેણે સુઝેનને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શેર કરેલી તસવીરોમાં સુઝેન પોતાના બંને પુત્રો સાથે પ્રેમભર્યા પળો વિતાવતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં ઋતિક અને સુઝેન પણ પોતાના બાળકો સાથે સમય પસાર કરતા નજરે પડે છે.
આ તસવીરો દ્વારા Hrithik Roshan માત્ર જન્મદિવસની શુભેચ્છા જ નથી આપી, પરંતુ સુઝેન પ્રત્યેનો આદર અને તેના પરિવાર સાથેના સંબંધોની ઉષ્મા પણ વ્યક્ત કરી છે. ઋતિકે સુઝેનને પોતાના બંને પુત્રો રે અને રિડ્ઝ માટે શ્રેષ્ઠ માતા ગણાવી હતી. તેણે લખ્યું કે સુઝેન પોતાના આસપાસના લોકોને જે પ્રેમ, હૂંફ, ખુશી અને જાદુ આપે છે, તે જ બધું તેના જીવનમાં પણ પાછું આવે તેવી તેની ઈચ્છા છે. સુઝેનના જીવનમાં આવેલા પડકારો અને તેમાંથી બહાર આવીને તેણે જે વ્યક્તિગત વિકાસ કર્યો છે, તેના પર પણ ઋતિકે ગર્વ વ્યક્ત કર્યો હતો. તેણે સુઝેનને હંમેશાં સકારાત્મકતા ફેલાવતી વ્યક્તિ ગણાવી હતી. ઋતિકે અંતમાં જણાવ્યું હતું કે, તે હંમેશાં સુઝેનની સાથે રહેશે અને તેને પ્રોત્સાહન આપતો રહેશે. આ પોસ્ટ પર ઋતિકની ગર્લળેન્ડ સબા આઝાદે હાર્ટ ઈમોજી મૂકીને પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ, સુઝેનના પાર્ટનર અર્સલાન ગોનીએ પણ હાર્ટ ઈમોજી દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અગાઉ સુઝેને પણ ઋતિક અને સબા સાથેના સંબંધો પ્રત્યે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. ઋતિકની આ પોસ્ટે ફરી એકવાર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે.

