Mumbai, તા.૨૯
રણબીર કપૂર, Sai Pallavi અને યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ પહેલાં જ એક નિવેદનને કારણે વિવાદ ઊભો થયો છે. ફિલ્મમાં માતા સીતાની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સાઈ પલ્લવીએ રાવણના પાત્ર અંગે કહ્યું કે રાવણ સંપૂર્ણપણે ખરાબ નહોતો. તેના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કેટલાક લોકોએ તેમની ટીકા શરૂ કરી છે, જ્યારે અન્ય લોકોએ અભિનેત્રીની વાતનો બચાવ કર્યો છે.
Sai Pallaviએ આ નિવેદન અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલા ‘રામાયણ’ના પ્રીમિયર દરમિયાન આપ્યું હતું. રેડ કાર્પેટ પર આંતરરાષ્ટ્રીય મીડિયાની સાથે વાતચીત કરતાં તેણે ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યોને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવાની ફિલ્મની સંભાવના અંગે વાત કરી હતી. જોકે, રાવણ વિશેની તેની ટિપ્પણી ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે. અભિનેત્રીએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યો વિશે જાણવા ઇચ્છતા લોકો માટે આ ફિલ્મ ‘રામાયણ’ને સમજવાની એક સારી શરૂઆત બની શકે છે. સાઈના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ દર્શકોને ભારતીય મહાકાવ્યનું ભવ્ય અને પ્રભાવશાળી સ્વરૂપ જોવા માટેનો અવસર આપી શકે છે.
રાવણ વિશે પોતાની વાત સમજાવતાં સાઈ પલ્લવીએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આ મહાકાવ્યને ધર્મગ્રંથ તરીકે માને છે, તો તેણે પોતાના અંતરમાં રહેલા સારા અને ખરાબ ગુણોનું આત્મમંથન કરવું જોઈએ. તેણે કહ્યું કે રાવણ સંપૂર્ણપણે ખરાબ નહોતો અને દરેક વ્યક્તિએ પોતાની અંદર રહેલા ‘રાવણ’ને ઓળખીને સમયની સાથે પોતાની ખામીઓ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમના નિવેદનનો મુખ્ય સંદેશ પોતાના અવગુણોને ઓળખીને તેમાં સુધારો કરવાનો હતો. સાઈના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સે તેની વાત સામે વાંધો ઉઠાવ્યો હતો. એક યુઝરે ટિપ્પણી કરી કે સીતાનું અપહરણ કરનાર રાવણની પ્રશંસા કરવી યોગ્ય નથી. બીજી તરફ, કેટલાક લોકોએ અભિનેત્રીનો બચાવ કરતાં કહ્યું કે તેણે રાવણનાં કૃત્યોને યોગ્ય ઠેરવ્યાં નથી, પરંતુ દરેક વ્યક્તિએ પોતાની અંદર રહેલી નકારાત્મકતા ઓળખીને તેને દૂર કરવી જોઈએ એવો સંદેશ આપ્યો છે. આ રીતે નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા અને ટીકા બંને થઈ રહ્યાં છે.
નોંધનીય છે કે નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ‘રામાયણઃ રાઇઝ ઑફ અ લેજેન્ડ’માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. આ મહાકાવ્યને બે ભાગમાં રજૂ કરવાની યોજના છે અને તેનો પ્રથમ ભાગ ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાનો છે. ફિલ્મનો બીજો ભાગ દિવાળી ૨૦૨૭ આસપાસ રિલીઝ થવાની ધારણા છે.

