આલિયાએ એ પણ સ્વીકાર્યું કે ફિલ્મી પરિવારમાંથી આવવાને કારણે તેને કેટલાક લાભ સરળતાથી મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
Mumbai, તા.૧૯
આલિયા ભટ્ટ હાલ તેની આવનારી ફિલ્મ આલ્ફાના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે તાજેતરમાં યોજાયેલા અમૃત રત્ન ૨૦૨૬ સમિટ દરમિયાન અને બાદમાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું કે અભિનેત્રી બનવાનું તેનું સ્વપ્ન બાળપણથી જ હતું. પોતાની સફળતા, સંપન્ન પારિવારિક માહોલ અને બાળપણનાં સપનાઓ અંગે ખુલીને વાત કરી છે. જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટની પુત્રી અને ફિલ્મ નિર્માતા કરણ જોહરના માર્ગદર્શન હેઠળ કારકિર્દી બનાવનાર આલિયા લાંબા સમયથી ‘નેપોટિઝમ’ અને પરિવારના કારણે સરળતાથી મળતી સુવિધાઓ અંગે ચર્ચાઓ કરી હતી. આલિયાએ કહ્યું, “સાચું કહું તો હું બાળપણથી જ અરીસા સામે અભિનય કરતી હતી. મારા મનમાં માત્ર એક જ સપનું હતું કે એક દિવસ ટીવીમાં જે દુનિયા હું જોઈ રહી છું, તેનો ભાગ બનવું છે.” તેણે યાદ કર્યું કે બાળપણમાં તે ગોવિંદા અને કરીશ્મા કપૂરના ગીતો જોઈને મંત્રમુગ્ધ થઈ જતી હતી. “મને ફિલ્મોની દુનિયામાં કંઈક જાદુઈ લાગતું હતું. ત્યારથી જ મને વિશ્વાસ હતો કે હું કેમેરા સામે કામ કરવા માટે જ જન્મી છું.”જો કે આલિયાએ એ પણ સ્વીકાર્યું કે ફિલ્મી પરિવારમાંથી આવવાને કારણે તેને કેટલાક લાભ સરળતાથી મળ્યા છે. “મારી સફર ચોક્કસપણે અલગ રહી છે અને હું એ વાત સ્વીકારું છું કે જ્યારે તમે વિશેષ સુવિધાઓ ધરાવતા પરિવારમાંથી આવો છો ત્યારે ઘણી બાબતો સરળ બની જાય છે.” પરંતુ સાથે જ તેણે ઉમેર્યું કે પ્રિવિલેજ હોવા છતાં જીવનમાં પડકારો અને નિઃરાશાના દિવસો દરેકને આવે છે. “હું પ્રિવિલેજ્ડ બેકગ્રાઉન્ડમાંથી આવું છું, છતાં ક્યારેક મારા પણ ખરાબ દિવસો હોય છે, ક્યારેક હું પણ નિઃરાશા અનુભવું છું. એવા દિવસોમાં હું પોતાને માત્ર એટલું જ કહું છું કે મને સપના જોવાનો અધિકાર છે અને મને પોતાની જાત પર વિશ્વાસ રાખવાનો અધિકાર છે.”સમિટ દરમિયાન આલિયાએ પોતાની પુત્રી રાહા કપૂર વિશે પણ રસપ્રદ વાતો શેર કરી હતી. જ્યારે સંચાલકે પૂછ્યું કે શું રાહા પણ તેની જેમ અભિનય કે કલા પ્રત્યે રસ બતાવી રહી છે, ત્યારે આલિયાએ હસતાં જવાબ આપ્યો, “મને લાગે છે કે તે પણ સ્ટેજ માટે જ બની છે.” તેણે જણાવ્યું કે રાહાને અનેક બાબતોમાં રસ છે. “તેને રમતગમત ગમે છે, ગીતો સાંભળવા ગમે છે અને ડાન્સ કરવો પણ ખૂબ ગમે છે. તે ખૂબ ઝડપથી ડાન્સના સ્ટેપ્સ શીખી જાય છે.” આલિયાના જણાવ્યા મુજબ, “મારી નાની દીકરી પોતાની રીતે વિચારનાર અને નેતૃત્વના ગુણો ધરાવે છે.”

