Mahisagar,તા.3
તાજેતરમાં મહીસાગર જિલ્લા કલેકટર દલિત યુવક સાથેના તેમના કથિત ગેરવર્તનને લઈને વિવાદમાં આવ્યા બાદ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. નેહા કુમારી વિરુદ્ધ પોલીસમાં કરવામાં આવેલી લેખિત ફરિયાદ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા આઈએએસ નેહા કુમારી મામલે રાજ્યના પોલીસવડાને નોટિસ આપવામાં આવી છે.
23 ઓકટોબરના રોજ બનેલી ઘટનાને લઈને મહીસાગર જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા IAS નેહા કુમારી વિવાદમાં છે. વિજય પરમાર નામના એક દલિત યુવાનને કથિત ગાળો બોલતો આ મહિલા અધિકારીનો વિડિયો ખૂબ વાયરલ થયેલો છે.
એમાં તેઓ કથિત રીતે વિજયને ચપ્પલથી મારવાની વાત કરતા તેમજ હરામી કહેતા સંભળાય છે. એટલું જ નહિ, તેઓ વકીલોને પણ ચપ્પલથી માર ખાવાને લાયક છે એવી વાત કરે છે.
વધુમાં તેઓ એવું કહેતા સંભળાય છે કે, દલિતો અને આદિવાસીઓ દ્વારા કરવામાં આવતા એટ્રોસિટીના કેસો બ્લેકમેઇલ માટે કરવામાં આવે છે. આ મુદ્દે જ્ઞાતિ નિર્મૂલન સમિતિના આગેવાન સંજય પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ સમક્ષ કરેલી રજૂઆતને પગલે આયોગે રાજ્યના પોલીસ વડાને નોટિસ ફટકારી આ મુદ્દે ખુલાસો માંગ્યો છે. આગળ જતાં, આ મુદ્દે સુનાવણી પણ થઈ શકે છે અને આયોગને સત્તા છે કે પોલીસ વડાને ગુનો દાખલ કરવા સૂચન પણ કરે.

