Dhaka, તા.7
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના નિવેદન બાદ T20 વર્લ્ડ કપ 2026 ના આયોજનને લઈને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. તેઓ ભારતમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે અને લિટન દાસના નેતૃત્વવાળી ટીમ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યોજાનારા વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ ખેડવા અનિશ્ચિત છે.
ઉલ્લેખનીય છે કે, IPL 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરવામાં આવ્યા બાદ આ વિવાદ વકર્યો છે. બાંગ્લાદેશ બોર્ડે માંગ કરી છે કેતેમની મેચો ભારતની બહાર યોજવામાં આવે. જો બાંગ્લાદેશ પોતાના આ વલણ પર અડગ રહે છે, તો ICC પાસે મુખ્યત્વે 3 વિકલ્પો ઉપલબ્ધ છે.
વર્લ્ડ કપ શરૂ થવામાં હવે માત્ર એક જ મહિનાનો સમય બાકી હોવાથી, ICC માટે શેડ્યૂલમાં મોટા ફેરફારો કરવા મુશ્કેલ છે. મોટાભાગની લોજિસ્ટિક્સ અને વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ સંજોગોમાં, જો બાંગ્લાદેશ ભારતમાં રમવાનો ઇનકાર કરે છે, તો સામેની ટીમને ‘વોકઓવર’ આપવામાં આવી શકે છે અને બાંગ્લાદેશે મહત્વપૂર્ણ પોઈન્ટ્સ ગુમાવવા પડશે.
બીજો વિકલ્પ એ છે કે બાંગ્લાદેશની મેચો ભારતને બદલે શ્રીલંકામાં યોજવામાં આવે. જોકે, આ માટે ICC એ શેડ્યૂલમાં ધરખમ ફેરફારો કરવા પડશે. આ વ્યવસ્થા ડિસેમ્બર 2024 માં ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલા કરાર જેવી હોઈ શકે છે.
તે કરાર મુજબ, ભારતીય ટીમ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ગઈ ન હતી, અને સામે પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ 2026 ની મેચો શ્રીલંકામાં યોજવાનું નક્કી થયું હતું. બાંગ્લાદેશે પણ હવે આવી જ માંગણી મૂકી છે.
જો બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી સંપૂર્ણ રીતે ખસી જવાનો નિર્ણય લે છે, તો ICC નિયમો અનુસાર અન્ય કોઈ ટીમને તેમના સ્થાને વર્લ્ડ કપમાં સામેલ કરી શકે છે. ભૂતકાળમાં 2016 ના અંડર-19 વર્લ્ડ કપમાં જ્યારે ઓસ્ટ્રેલિયાએ સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશ જવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારે તેમના સ્થાને આયર્લેન્ડની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. T20 વર્લ્ડ કપ 2026 માં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, તેથી એક ટીમનું સ્થાન ખાલી પડે તો રિઝર્વ ટીમને તક મળી શકે છે.

