Harare, તા.૨૫
ભારતે બીજી T૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી છે. શ્રેયસ ઐયરના કેપ્ટન તરીકેના કાર્યકાળની શરૂઆત ખરાબ રહી હોવા છતાં, ટીમ ઈન્ડિયા હવે તેમના નેતૃત્વમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. હરારેમાં રમાયેલી બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૧૯ રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વે ૧૨૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ભારતની ૯૦ રને જીત થઈ હતી. ભારતે હવે ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી લીધી છે, ત્રીજી મેચ ૨૬ જુલાઈ, રવિવારના રોજ રમાશે.
સ્ટાર વિકેટકીપર-બેટર ઈશાન કિશને ઝિમ્બાબ્વે સામેની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીના આઉટ થયા પછી, તેણે જવાબદારી સંભાળી અને રનનો વરસાદ કર્યો. કિશને ૪૪ બોલમાં ૮૧ રનની ધમાકેદાર ઇનિંગ રમી. તિલક પણ ૨૯ બોલમાં ૬૦ રન બનાવીને ટીમ ઈન્ડિયાનો કુલ સ્કોર ૨૧૯ સુધી પહોંચાડ્યો. ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય બોલર્સે શાનદાર શરૂઆત કરતા ટોપ ઓર્ડરને બિલકુલ ટકીને બેટિંગ કરવાની દીધી નહીં.
પાવરપ્લેમાં જ યજમાન ટીમે પોતાના ત્રણ મુખ્ય બેટરની વિકેટ ગુમાવી દીધી હતી. ઝિમ્બાબ્વેની અડધી ટીમ ૬૫ રનમાં આઉટ થઈ ગઈ હતી. પોતાની ડેબ્યૂ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં રમી રહેલા યુવા ફાસ્ટ બોલર યશ ઠાકુરે ભારતને પહેલી સફળતા અપાવી હતી.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી ્૨૦ મેચમાં ભારતીય બેટરોએ તોફાની રમત દાખવીને નિર્ધારિત ઓવરોમાં ૨૨૦ રનનો વિશાળ ટાર્ગેટ ખડકી દીધો હતો. ભારતીય યુવા અને અનુભવી બેટિંગ લાઇન-અપે વિરોધી ટીમ બોલરો પર આક્રમક પ્રહાર કરીને મેચમાં સંપૂર્ણ પકડ મજબૂત બનાવી લીધી હતી.
અગાઉ ભારતીય ઇનિંગ્સમાં વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન અને તિલક વર્માની ત્રિપુટીએ પોતાની ધમાકેદાર રમતથી ગ્રાઉન્ડ પર રમઝટ બોલાવી દીધી હતી. યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર ૯ બોલમાં વિસ્ફોટક શૉટ્સ ફટકારીને ટીમને તાબડતોબ શરૂઆત અપાવી હતી. ત્યારબાદ ઈશાન કિશને મેદાનના ચારેય તરફ ચોગ્ગા-છગ્ગા ફટકારીને ઝિમ્બાબ્વેના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી નાખ્યું હતું. ઇનિંગ્સના અંતમાં તિલક વર્માએ પણ પોતાની ધારદાર બેટિંગથી અણનમ અડધી સદી ફટકારીને ભારતીય ટીમનો સ્કોર ૨૨૦ રન સુધી પહોંચાડવામાં સિંહફાળો આપ્યો હતો.
ભારતીય બેટિંગમાં વૈભવ સૂર્યવંશીએ ૯ બોલમાં ૩ ફોર અને ૧ સિક્સ સાથે ૨૦ રન બનાવ્યા હતા. ઓપનર અભિષેક શર્માએ ૮ બોલમાં ૨ ફોર સાથે ૮ રન કર્યા હતા. ઈશાન કિશને સૌથી વધુ યોગદાન આપતાં ૪૪ બોલમાં ૯ ફોર અને ૨ સિક્સની મદદથી શાનદાર ૮૧ રન ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે ૨૦ બોલમાં ૪ ફોર સાથે ૨૫ રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. તિલક વર્માએ અણનમ રહીને ૨૯ બોલમાં ૫ ફોર અને ૩ સિક્સ સાથે વિસ્ફોટક ૬૦ રન બનાવ્યા હતા. આ ઉપરાંત રિન્કુ સિંહે ૮ બોલમાં ૧ સિક્સ સાથે ૧૨ રન કર્યા હતા અને શિવમ દુબેએ અણનમ રહીને ૩ બોલમાં ૧ ફોર સાથે ૬ રન જોડ્યા હતા.

