રિટેલ જાયન્ટ્સ કોસ્કોના સ્ટોર્સમાં બે કલાકમાં જ સ્ટોક ખલાસઃ સ્ટોર્સમાં માંગ એટલી છે કે સ્ટોક ટકતો જ નથી
New York/Seattle, તા.૮
અમેરિકામાં શહેરોમાં ભારતીય કેરી ધૂમ મચાવી રહી છે. અમેરિકન ગ્રાહકો ભારતીય કેરીની લોકપ્રિય જાતોનો સ્વાદ માણી રહ્યા છે અને વધુને વધુ કેરીની માંગ કરી રહ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીની નિકાસ અને વપરાશને વેગ આપવા માટે સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે યુએસ પેસિફિક નોર્થવેસ્ટ રિઝનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમાં અમેરિકાની અગ્રણી રિટેલ કંપનીઓએ ભાગ લીધો હતો. અમેરિકામાં કેરીનું આયાત માર્કેટ ૨૦૨૫માં એક અબજ ડોલરના આંકને વટાવી ગયું હતું અને તેમાં ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસે શુક્રવારે યોજેલા ‘મેગો મેજિકઃ પ્રમોશન એન્ડ ટેસ્ટિંગ ઇવેન્ટ ઓફ ઇન્ડિયન મેંગો’માં અમેરિકાની રિટેલ જાયન્ટ્સ કંપની કોસ્કોના વરિષ્ઠ અધિકારીઓ સહિત ૧૦૦થી વધુ અગ્રણી આયાતકારોએ ભાગ લીધો હતો. આ મહેમાનોએ ભારતીય કેરીની સાત પ્રીમિયમ જાતોનો સ્વાદ પણ માણ્યો હતો. આ કાર્યક્રમાં મહારાષ્ટ્રની આલ્ફોન્સો અને કેસર, આંધ્રપ્રદેશની બંગનાપલ્લે અને હિમાયત, ઉત્તરપ્રદેશની લંગડા અને પ્રખ્યાત દશેરી અને ગુજરાતની રાઇપ રાજાપુરી પ્રદર્શિત કરાઈ હતી. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે ભાગીદારીમાં આયોજિત ઇન્ડિયન મેંગો પ્રમોશન ઇવેન્ટમાં એક ખાસ લંચ પણ હતું, જેમાં ભારતીય કેરીની સાત જાતોનો ઉપયોગ કરીને બનાવેલી ભારતીય વાનગીઓએ પીરસવામાં આવી હતી. વોશિંગ્ટન સ્ટેટના લેફ્ટનન્ટ ગવર્નર ડેની હેકે એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી કેરીના આગમનનો પ્રથમ દિવસ ફરી ક્યારેય ચૂકીશ નહીં. હેકે વોશિંગ્ટન રાજ્યમાં ખાસ કરીને કોસ્કો જેવા અગ્રણી યુએસ રિટેલર્સમાં ભારતીય કેરીની રજૂઆતનું સ્વાગત કર્યું હતું. કોસ્કોના તાજા ફળ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ બોબ હસ્કીએ જણાવ્યું કે કંપનીએ તાજેતરમાં જ કેસર કેરીનું વેચાણ શરૂ કર્યું છે અને તેની માંગ એટલી વધુ છે કે સ્ટોક ફરી ભરાય તે પહેલાં જ વેચાઈ જાય છે. વોશિંગ્ટન રાજ્યના સેનેટર્સ ટીના ઓરવેલ, મેનકા ઢીંગરા અને વંદના સ્લેટર તથા જાપાન અને ઉઝબેકિસ્તાનના કોન્સલ જનરલ હાજર રહ્યાં હતાં અને ભારતીય કેરીના સ્વાદનો સ્વાદ માણ્યો હતો. ગયા વર્ષે ભારતીય દૂતાવાસે સિએટલમાં ભારતીય કેરીઓના પ્રચારની શરૂઆત કરી હતી અને કોસ્કો સહિતના ભાગીદારો સાથે મળીને અમેરિકન ગ્રાહકો સુધી ભારતીય કેરી પહોંચાડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતાં અને આ પ્રયાસો હવે રંગ લાવી રહ્યાં છે. મે મહિનામાં કોસ્કોએ ભારતમાંથી કેસર કેરીનો પ્રથમ મોટો જથ્થો આયાત કર્યો હતો, જે અમેરિકાના વિવિધ શહેરોમાં આવેલા તેના સ્ટોર્સમાં પહોંચાડવામાં આવ્યો હતો. કંપનીના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, ભારતીય કેરીનો જથ્થો સ્ટોર્સમાં પહોંચ્યા બાદ માત્ર બે કલાકમાં જ સંપૂર્ણપણે વેચાઈ ગયો હતો, જે અમેરિકામાં ભારતીય કેરી માટેની ભારે માંગનો પુરાવો છે. અમેરિકામાં ભારતીય કેરીની નિકાસ ૧૮ વર્ષના પ્રતિબંધ બાદ ૨૦૦૭માં ફરી શરૂ થઈ હતી. ત્યારથી નિકાસમાં ઝડપથી વધારો થયો છે. ૨૦૨૩-૨૪માં અમેરિકામાં ભારતીય કેરીની નિકાસ એક કરોડ ડોલર સુધી પહોંચી ગઈ હતી, જે અગાઉના વર્ષના ૪૩.૬ લાખ ડોલરની સરખામણીએ ૧૩૦ ટકા વધુ છે. ૨૦૨૬માં અમેરિકામાં કેરીની આયાતમાં વધુ ૭ ટકા વૃદ્ધિ થવાની શક્યતા છે, ૨૦૨૫માં અમેરિકાનું કુલ કેરી આયાત બજાર એક અબજ ડોલરના આંકને વટાવી ગઈ હતી.

