New Delhi, તા.13
ડુંગળી, લસણ અને આદુના આકાશને આંબતા ભાવે રસોઈના બજેટને બગાડી નાખ્યું છે. ભારતમાં જુલાઈ મહિનામાં છુટક મોંઘવારી દર વધીને 4.45 ટકા થઈ ગયો છે. જુલાઈ 2026માં દેશમાં છુટક મોંઘવારી દર વધીને 4.45 ટકાએ પહોંચી ગયો છે.
જે જૂનમાં 4.38 ટકા હતો. જુલાઈમાં સતત 9માં મહિને છુટક મોંઘવારીમાં વધારો થયો છે અને તે આરબીઆઈના 4 ટકાના મીડીયમ-ટર્મ ઈન્ફલેશન ટાર્ગેટથી ઉપર ચાલ્યો ગયો છે. આ તેજી પાછળ સૌથી મોટું કારણ ખાવા-પીવાની વસ્તુઓ (ખાદ્યપદાર્થો)ના ઉંચા દામ છે, જેણે આમ જનતાના બજેટને અસર કરી છે.
ડુંગળીનો મોંઘવારી દર જૂનના 4.73 ટકાથી સીધી છલાંગ લગાવીને જુલાઈમાં 22.54 ટકા પર પહોંચી ગયો છે. લસણનો મોંઘવારી દર પણ 17.93 ટકાથી વધીને 35.36 ટકા થઈ ગયો છે. આદુએ તો બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. તેની મોંઘવારી જુલાઈમાં વાર્ષિક આધારે 83.62 ટકા વધી છે.
આથી ખાદ્ય મોંઘવારી દર પણ જૂનના 5.32 ટકાથી ઉછળીને જુલાઈમાં 5.52 ટકા પર પહોંચી ગયો છે. જો કે, બટેટાના ભાવ ગત વર્ષની તુલનામાં 16.56 ટકા ઓછા થયા. વટાણા-ટમેટાના ભાવ પણ લગભગ 5 ટકા ઘટયા છે. ચિંતાની વાત એ છે કે ગામડામાં રહેનારા લોકો પર તેનો માર શહેરોથી વધુ પડયો છે.
ગ્રામીણ ક્ષેત્રોમાં ખાદ્ય મોંઘવારી 5.79 ટકા રહી, જયારે શહેરી વિસ્તારોમાં આ થોડી ઓછી 5.05 ટકા નોંધાઈ. આરબીઆઈ અને આર્થિક વિશેષજ્ઞોનું માનવું છે કે આવનારા નજીકના ભવિષ્યમાં મોંઘવારી દરમાં હજુ થોડો વધુ ઉછાળો આવી શકે છે.
આ વર્ષના ડિસેમ્બરના ત્રિમાસિકમાં તે પોતાની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. પશ્ચિમ એશિયા સંકટ, પેટ્રોલ-ડીઝલ-એલપીજી જેવા ઈંધણોની ઉંચી કિંમતો ખાવા-પીવાની વસ્તુઓના વધતા ભાવ અને ચોમાસુ અસમાન રહેવાની ચિંતાના કારણે મોંઘવારી સતત વધી રહી છે.
ટ્રાન્સપોર્ટથી માંડીને બ્યુટી પ્રોડકટ સુધી મારઃ મોંઘવારીનો માર માત્ર ખાવા-પીવા સુધી સીમીત નથી, બલકે આપની રહેણી-કરણી અને અન્ય ખર્ચા પર પણ તેની અસર જોવા મળી રહી છે. સફર કરવી હવે થોડી મોંઘી થઈ ગઈ છે.
કારણ કે ટ્રાન્સપોર્ટનો મોંઘવારી દર વધીને 4.43 ટકા થઈ ગયો છે, જયારે માલ પરિવહન ભાડુ 7.77 ટકા વધી ગયું છે, જેથી ખાવા-પીવાની વસ્તુઓના ભાવ વધી ગયા, જયારે આવાસ (હાઉસીંગ)નો મોંઘવારી દર 2.22 ટકા રહ્યો. બહારનું ભોજન 7.72 ટકા તો કપડાં-જૂતા 3.38 ટકા મોંઘા થઈ ગયા.
વાર્ષિક આધારે આ વસ્તુઓ થઈ સસ્તીઃ વાર્ષિક આધારે ટમેટા-બટેટા 16.56 ટકા, ટમેટા 4.59 ટકા, વટાણા 5.27 ટકા, ભીંડા 5.52 ટકા, રિંગણા 4.18 ટકા, વાહન 6.72 ટકા સસ્તા થયા છે.
આટલી વસ્તુઓ વાર્ષિક આધારે થઈ મોંઘીઃ રિફાઈન્ડ ઓઈલ- 13.25 ટકા, સરસવનું તેલ- 9.27 ટકા, મગફળીનું તેલ- 11.75 ટકા, લીંબુ 14.34 ટકા, કિશમીશ 15.71 ટકા, નારિયેલ 25.88 ટકા, ડુંગળી 22.54 ટકા, લસણ 35.36 ટકા, આદુ 83.62 ટકા મોંઘા થયા છે.

