New Delhi, તા. 13
નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સરકારે એર ઇન્ડિયાને પોતાનાં ફ્લાઇટ સંચાલનમાં સુધારો કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. ઉડ્ડયન સચિવ સમીર સિન્હાએ એરલાઇન મેનેજમેન્ટને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કંપનીએ પોતાની જવાબદારી સ્વીકારવી પડશે અને તપાસમાં દોષી સાબિત થનાર કોઇપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.
આ સાથે જ સરકારે વિમાનન નિયામક DGCA ને પાયલોટ અને અન્ય એવિએશન સ્ટાફના ડ્રગ-ટેસિં્ટગ નિયમોમાં ઝડપથી ફેરફાર કરવા તેમજ પ્રતિબંધિત ડ્રગ્સના સેવન બદલ કડક સજાની જોગવાઈઓ અમલી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
આ કડક પગલું 4 ઓગસ્ટે ફુકેતથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઈં 2379 માં સર્જાયેલી ગંભીર ઘટના બાદ લેવામાં આવ્યું છે. હવામાં ઊડાન દરમિયાન ટેકનિકલ ખામીઓ અને પ્લેન સીધું 300 ફીટ નીચે આવી જવાની ઘટનામાં 20 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 24 લોકો ઘાયલ થયા હતા.
તે સમયે પ્લેનના ત્રણ હાઇડ્રોલિક સિસ્ટમ, દરવાજા અને એલિવેટર અંગેની ચેતાવણીઓ સતત વાગી રહી હતી અને ઓટોપાયલોટ સિસ્ટમ પણ બંધ થઈ ગઈ હતી. આ સમગ્ર મામલાની તપાસ હાલ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) ની સાથે એરબસ અને ફ્રાન્સની ઉડ્ડયન એજન્સી કરી રહી છે.
સરકારી અધિકારીઓએ આ ઘટના દરમિયાન પરિસિ્થતિને સંભાળીને વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવનારા કો-પાયલોટની પ્રશંસા કરી છે. વિમાનમાં સતત વાગતી વોર્નિંગ્સ અને કમાન્ડિંગ પાયલોટની સ્થિતિ વચ્ચે કો-પાયલોટે સતર્કતા દાખવી મોટી દુર્ઘટના ટાળી હતી.
ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ઉડ્ડયન ક્ષેત્રે ડ્રગ્સ ક્નટ્રોલ અને પાયલોટ્સની મેડિકલ ફિટનેસની ચકાસણી સંબંધિત માપદંડોને વધુ મજબૂત અને કડક કરવામાં આવશે.
પાયલોટ ગાંજા ઉપરાંત ઊંઘની ગોળીઓ પણ લેતો હતો
તપાસ દરમિયાન આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોસ્ટ-ફ્લાઇટ ડ્રગ ટેસ્ટના ક્નફર્મેશન રિપોર્ટમાં પાયલોટ ગાંજાના સેવન માટે પોઝિટિવ મળી આવ્યો છે. આ ઉપરાંત પાયલોટે AAIB ને આપેલા નિવેદનમાં સ્વીકાર્યું છે કે તેને છેલ્લાં કેટલાક સમયથી ઊંઘ ન આવવાની સમસ્યા હતી અને ડોક્ટરની સલાહથી તે ઊંઘની ગોળીઓ પણ લેતો હતો.
ફ્લાઇટમાં ઘટના બની ત્યારે આ મુખ્ય પાયલોટ પોતાની સીટ પર પણ ન હતો અને કેબિન તરફ ગયો હતો. હાલ બંને પાયલોટોને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યાં છે.

