Rajkot, તા.19
રાજકોટનાં હિરાસર એરપોર્ટથી ઝડપાયેલ રુા. પાંચ કરોડની કિંમતની 180 કિલો ચાંદીનાં પ્રકરણમાં રાજકોટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગએ તપાસને વધુ સઘન બનાવી છે અને ચાંદી પ્રકરણનાં મુળ સુધી પહોંચવા માટે કવાયત હાથ ધરી છે.
જીએસટી સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ અત્યાર સુધીની તપાસમાં એવું પણ બહાર આવેલ છે કે ચાંદીની આ હેરાફેરીમાં માત્ર એક નહીં પરંતુ એકથી વધુ વેપારીઓ સામેલ છે.
સૂત્રો અનુસાર યુપીના વારાણસીથી પાંચ વેપારીઓએ આ ચાંદી કાર્ગો મારફતે રાજકોટ મોકલી હતી અને આ ચાંદી રાજકોટનાં જુદા જુદા 9 વેપારીઓએ મંગાવ્યો હોવાનું ખુલી રહ્યું છે.
તંત્રની ચાલી રહેલી આ તપાસ દરમિયાન ચાંદીનાં પાર્સલો ઉપર લખેલા વેપારીઓનાં નામોની ખરાઇ કરવા માટે તંત્રએ વેરીફિકેશન શરુ કર્યું છે. અને ચાંદીનાં પાર્સલો સાથે મળેલા બિલો સાચા છે કે ખોટા? તેની ખરાઇ પણ જીએસટી વિભાગ કરી રહ્યું છે.
વધુમાં મળતી વિગતો અનુસાર રાજકોટ જીએસટી વિભાગે ચાંદીની તપાસ હવે વારાણસી સુધી લંબાવી છે અને યુપીના પાંચ વેપારીઓની વિગતો જે રાજકોટ વિભાગને મળી છે. તે યુપી જીએસટી વિભાગને મોકલી છે અને યુપીના પાંચ વેપારીઓએ વેરો ભર્યો છે કે કેમ? રાજકોટ મોકલાયેલ ચાંદીનો જથ્થો કાયદેસર રીતે બુક કરાવ્યો છે? તેની વિગતો માંગવામાં આવી છે.
વધુમાં રાજકોટ જીએસટી વિભાગનાં અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ આજ બપોર સુધી રાજકોટનાં કોઇ વેપારીએ માલની જવાબદારી લીધી નથી અને ચાંદી છોડાવવા માટે તંત્રનો સંપર્ક સાધ્યો નથી. જો કે કાર્ગોનાં એજન્ટની પણ તંત્રએ પૂછપરછ કરી વેપારીઓ અંગેની વિગતો મેળવી છે.

