Rajkot, તા.20
દવાઓનું ઓનલાઇન વેચાણ અને ડુપ્લીકેટ દવાઓના વેચાણથી જનઆરોગ્ય સામે ખતરો થતા આજે દેશવ્યાપી કેમિસ્ટોની હડતાલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 60 હજાર કેમિસ્ટોએ સમથ ર્ન આપી વહેલી સવારથી મેડિકલ સ્ટોર બંધ રાખી ઇ-ફાર્મસીમાં વિરોધમાં ધરણા-સુત્રોચ્ચાર, રેલી, દેખાવો યોજી હડતાલ પાડી હતી. કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. દ્વરા આજે દવા બજાર બંધ રાખવામાં આવી હતી.
રાજકોટ
રાજકોટ ખાતે મેડીકલ એસો.ના એલાન મુજબ આજે સવારે મોટી ટાંકી ચોક ખાતે મોટી સંખ્યામાં દવાઓના વેપારીઓએ એકત્ર થઇ ધરણા-સુત્રોચ્ચાર, બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજી દેશ વ્યાપી લડતને જબરૂ સમર્થન પુરૂ પાડયું હતું.
કેમીસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા, માનદ મંત્રી અનિમેષભાઇ દેસાઇની આગેવાનીમાં 1600 જેટલા દવાઓના વેપારીઓ મેડીકલ સ્ટોર બંધ રાખી હડતાલને સફળ બનાવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન દવા વેચાણને મંજૂરી મળ્યા બાદ અનેક બિનનિયમિત પ્લેટફોર્મ દ્વારા નિયમોના ભંગ સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે ડોક્ટરની યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ મળવાની શક્યતા, દર્દીઓની ગોપનીય માહિતીનો દુરુપયોગ તેમજ સમયસીમા પૂર્ણ થયેલી કે નકલી દવાઓના વેચાણનો ભય વધી રહ્યો હોવાનું એસોસિએશને જણાવ્યું છે. આથી GSR 817(E)ને પાછું ખેંચી કડક નિયંત્રણ લાદવાની માંગ કરવામાં આવી છે.
તેમજ GSR 220(E) તા.26-03-2020 હેઠળ સ્પ્યુરિયસ અને નકલી દવાઓના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ ગેરકાયદેસર સપ્લાય ચેઇન અને શંકાસ્પદ સ્ત્રોતોથી દવાઓના પ્રવેશને કારણે નકલી દવાઓનો ખતરો વધ્યો છે, જે દર્દીઓના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ બની શકે છે.
કેમિસ્ટોએ આક્ષેપ કર્યો છે કે, મોટા કોર્પોરેટ ગ્રુપ અને ઓનલાઈન પ્લેટફોર્મના વધતા પ્રભાવને કારણે નાના અને મધ્યમ કેમિસ્ટોના વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. સાથે જ સસ્તી દવાઓના નામે ગુણવત્તા અને સેવા ઉપર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા હોવાનું જણાવ્યું છે.
એસોસિએશને દર્દીઓને પડતી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ દર્દીઓના હિત, અસલી દવાઓની સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવવા આ પગલું જરૂરી હોવાનું જણાવ્યું છે.
અમરેલી
અમરેલીની દવા બજાર બંધ રહી હતી. પરંતુ જીવનજરૂરી દવાઓ માટે શહેરમાં કેટલીક મેડિકલ સ્ટોર્સ ખુલ્લી રાખવામાં આવશે. જેમાં ન્યૂ મેડિકલ સ્ટોર (ટાવર પાસે), જનરલ મેડિકલ સ્ટોર (શાક માર્કેટ પાસે), પટેલ મેડિકલ એજન્સી (મોટા બસ સ્ટેશન સામે), હરિ મેડિકલ સ્ટોર (ગોળ હોસ્પિટલ, ચિતલ રોડ) અને ગણેશ મેડિકલ સ્ટોર (ચક્કરગઢ રોડ, ધાનાણી ચોક)નો સમાવેશ થાય છે.
અમરેલી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા અમરેલીના ભીડભંજન મહાદેવ મંદિર પાસે અમરેલી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના મેમ્બર્સ એકત્ર થશે. પરંતુ કોઈ રેલી, આવેદન કે પછી ધરણા જેવા કોઈ કાર્યક્રમ નહીં યોજી માત્ર શાંતિપૂર્ણ રીતે બંધને સફળતા મળી છે.
ભાવનગર
દેશભરમાં દવાના હોલસેલ અને રીટેલ વેપારીઓ તેમજ જન આરોગ્યની સુરક્ષા માટે આજે તા. 20 મેના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન અપાયું છે. જેમાં ભાવનગર બોટાદના 1200થી વધુ કેમિસ્ટ્સ જોડાઇ ધંધો-રોજગાર બંધ રાખેલ. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની આગેવાની હેઠળ આ બંધ પાળવામાં આવેલ.
સંગઠનના જણાવ્યા મુજબ ગેરકાયદે ઈ-ફાર્મસી (ઓનલાઈન ફાર્મસી)ના નિયમોમાં રહેલી છટકબારીઓનો લાભ ઉઠાવી રહ્યો છે. પ્રિપ્રિસ્ક્રિપ્શન (ડોક્ટરની ચબરખી) વગર દવાઓનું વેચાણ થવાના કારણે એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે. તેમજ મોટા કોર્પોરેટ ગૃહોમાં ડિસ્કાઉન્ટના નામે ગેરમાર્ગે દોરવાનું આયોજન થઈ રહ્યું છે.
ઈ-ફાર્મસી ઓનલાઈન પ્રથાને પાછી ખેંચવામાં આવે, કોર્પોરેટ્સ દ્વારા અપાતી ડિસ્કાઉન્ટની છૂટ સામે સમાન હકોની નીતિ અમલમાં મૂકવાની માંગણીઓ પર કોઈ ઠોસ નિર્ણય નહિ લેવાય તો આગામી દિવસોમાં સંગઠન દ્વારા અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જુનાગઢ
ઓનલાઇન દવાના વેંચાણની સામે આજે સમગ્ર દેશમાં કેમીસ્ટોની હડતાલ આજે રાખવામાં આવી છે. જેના પગલે જુનાગઢ અને જીલ્લાના તાલુકા મથકોનો અગાઉ અપાયેલા અલ્ટીમેટમ અનુસાર સંપૂર્ણપણે બંધ પાળ્યું છે.
જુનાગઢ શહેરના તમામ મેડીકલ સ્ટોરના વેપારીઓ આ હડતાલમાં જોડાયા છે. કોરોના સમયમાં ઓનલાઇન દવા મંગાવવાની છુટ આપવામાં આવી હતી તેની સામે નકલી દવાઓનું વહેંચાણ ધુમ થઇ રહ્યું છે તેના પર સરકાર દ્વારા કોઇ નિયંત્રણ લાગુ કરવામાં આવેલ ન હોય દેશભરમાંથી 1પ0 કરોડથી વધુ નકલી દવાઓ હાથ લાગી છે.
આવા વહેંચાણ સામે કડકમાં કડક કાયદો બનાવી આ ખેલ બંધ કરવાની માંગણી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં દર્દીઓ હેરાન ન થાય તે માટે ઇમરજન્સી દવાની દુકાનોને બાકાત રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

