Dubai,તા.19
મધ્યપુર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં સેન્ડવીચ જેવી હાલતમાં ફસાયેલા દુબઈ સહિત યુએઈ- સાઉદી અરેબીયા તથા કતાર સહિતના દેશો પર પણ ઈરાન હુમલા કરી રહ્યું છે અને ખાસ કરીને આ ક્ષેત્રમાં અમેરિકી લશ્કરી થાણાઓને નિશાન બનાવી રહ્યું છે.
તે સમયે હવે અમેરિકા-ઈરાન વચ્ચેના 60 દિવસના યુદ્ધ વિરામની ડેડલાઈનનો અંત આવવાની તૈયારી હોવાથી ફરી માહોલમાં તનાવ છે તે વખતે ઈરાને દુબઈ સહિત યુએઈમાં સમુદ્રમાં રહેલા વ્યાપારી જહાજો તથા અન્ય સ્થળોને નિશાન બનાવી ઈરાને મિસાઈલ દાગી હતી. જો કે યુએઈના દાવા મુજબ બન્ને મિસાઈલોને હવામાંજ આંતરી તોડી પાડવામાં આવી હતી પણ એક આકરા નિર્ણયમાં યુએઈએ ઈરાન સાથેના તમામ વ્યાપારી તથા નાણાકીય વ્યવહારો પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે અને તે અનિશ્ર્ચિત મુદત સુધી યથાવત રહેશે. યુએઈમાં મિસાઈલ હુમલાની ચેતવણી આપતા સાયરન અવારનવાર ગર્જી ઉઠયા હતા.
એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ જળમાર્ગ પર અંકુશ મુદે હવે ફરી તનાવ વધ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગને અમેરિકી કબ્જાનું ક્ષેત્ર જાહેર કરીને તેનો નકશો પણ પ્રદર્શિત કર્યો છે.
તો ઈરાને હોર્મુઝ જળમાર્ગ તેનાજ કબ્જામાં હોવાનું અને તે મુદે અમેરિકા સાથે કોઈ સમજુતી થશે નહી તેવી સ્પષ્ટ જાહેરાત કરી છે. ઈરાન અને તેના સમર્થીત દળોએ મધ્યપુર્વમાં સાઉદી સહિતના ઓઈલ ટેન્કરોને નિશાન બનાવવાનું પણ શરૂ કર્યુ છે. આમ ખાડીનું યુદ્ધ ફરી એક વખત અત્યંત નાજુક તથા ભારે તનાવભરી સ્થિતિમાં પહોંચી ગયું છે તે સમયે યુએઈ પરના હુમલા તથા આર્થિક સહિતના વ્યવહારો પર પ્રતિબંધથી ઈરાન વધુ આક્રમક બની શકે છે.

