Abu Dhabi,તા.11
અબુધાબી મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ અને તણાવ વચ્ચે યુનાઇટેડ અરબ અમીરાતના અબુધાબી ખાતે આવેલ વિશ્વના મહત્વપૂર્ણ તેલ સંકુલોમાંના એકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
અહેવાલો મુજબ રૂવૈસ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં સંભવિત ડ્રોન હુમલા બાદ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સંકુલનું સંચાલન કરતી Abu Dhabi National Oil Company (ADNOC)એ સાવચેતીરૂપે રિફાઈનરીનું કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે.
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રૂવૈસ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સની એક ઔદ્યોગિક સુવિધામાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ઘટના ડ્રોન હુમલાના કારણે બની હોઈ શકે.
ઘટના અંગે માહિતી મળતા જ સ્થાનિક પ્રશાસન, સુરક્ષા દળો અને અગ્નિશામક વિભાગના દળોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. અગ્નિશામક ટીમોએ આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને ADNOCએ તેની મુખ્ય રિફાઈનરીનું કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પગલું સાવચેતીરૂપે લેવામાં આવ્યું છે.
જેથી કોઈ પણ પ્રકારનું વધારાનું નુકસાન અથવા જોખમ ટાળી શકાય. રિફાઈનરી બંધ થતા તેની અસર સ્થાનિક ઊર્જા ઉત્પાદન અને સપ્લાય ચેન પર પડી શકે છે, જોકે અધિકારીઓએ પરિસ્થિતિને નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે.
રૂવૈસ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ યુનાઇટેડ અરબ અમીરાતના તેલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાય છે. આ સંકુલમાં વિશાળ તેલ રિફાઈનરી ઉપરાંત પેટ્રોકેમિકલ, ખાતર અને અન્ય ઔદ્યોગિક પ્લાન્ટ પણ કાર્યરત છે.
આ રિફાઈનરી વિશ્વની સૌથી મોટી સિંગલ-સાઈટ રિફાઈનરીઓમાંની એક માનવામાં આવે છે અને રુવૈસ સંકુલમાં અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC) દ્વારા સંચાલિત મુખ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે, જેમાં દરરોજ 922000 બેરલ ક્રૂડ ઓઇલનું પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવતી રિફાઇનરીઓનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તેમ છતાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને સુરક્ષા તણાવના કારણે ઊર્જા ક્ષેત્ર પર હુમલાની શક્યતાઓ અંગે ચિંતાઓ વધતી જોવા મળી રહી છે. વિશેષજ્ઞોના મત મુજબ જો આવા હુમલાઓ વધશે તો તેની અસર વૈશ્વિક તેલ બજાર અને ઊર્જા પુરવઠા પર પણ પડી શકે છે.
આ ઘટનાએ ખાડી વિસ્તારમાં ઊર્જા સુરક્ષા અંગે નવી ચિંતા ઉભી કરી છે. વૈશ્વિક બજારમાં તેલ પુરવઠા માટે આ વિસ્તાર અત્યંત મહત્વનો હોવાથી અહીં બનેલી દરેક ઘટના આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવ અને પુરવઠા પર સીધી અસર કરી શકે છે.
બોક્સ રૂવૈસ ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ વિશે
► અબુધાબી સ્થિત વિશ્વના મોટા તેલ સંકુલોમાંનું એક
► સંચાલન Abu Dhabi National Oil Company
► વિશ્વની મોટી સિંગલ-સાઈટ રિફાઈનરીઓમાં સમાવેશ
► સંભવિત ડ્રોન હુમલા બાદ સંકુલની એક સુવિધામાં આગ
► સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિફાઈનરીનું કામકાજ તાત્કાલિક બંધ

