દારૂ ની ૯,૦૨૪ બોટલો સાથે કુલ રૂ.૧.૩૦ કરોડનો મુદ્દામાલ ઝડપાયો વાડી માલિક સહિત છ આરોપી ફરાર
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૫
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં પોલીસે પાડેલા દરોડામાં ૯,૦૨૪ બોટલ વિદેશી દારૂ, ૧૮,૦૦૦ નંગ ઢાંકણાં (ચપલા) તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર સહિત કુલ રૂ. ૧,૩૦,૫૫,૫૪૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર પ્રકરણમાં છ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જ્યારે તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીનુભા બચુભા જાડેજાની ફરિયાદના આધારે નોંધાયેલા ગુના મુજબ, તા. ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૨૩૦ વાગ્યે આરબલુસ ગામની દક્ષિણ બાજુએ આવેલી વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં વેચાણના હેતુસર સંતાડી રાખવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી ૯,૦૨૪ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૬૯,૫૫,૫૪૮), ૧૮,૦૦૦ નંગ ચપલા, (કિંમત રૂ. ૩૬ લાખ), મેસી ફર્ગ્યુસન ૭૨૫૦ ડીઆઈ ટ્રેક્ટર, ટ્રોલી તથા કન્ટેનર ટ્રક સહિત કુલ રૂ. ૧.૩૦ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ગુનામાં હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ભાવેશભાઈ જેઠાભાઈ પરમાર, દશરથસિંહ વનરાજસિંહ જાડેજા, ટ્રેક્ટરના ચાલક-માલિક, કન્ટેનરના ચાલક-માલિક તેમજ સ્થળ પરથી નાસી ગયેલી કાળા રંગની સ્પોટ્ર્સ યુટિલિટી વાહન (એસયુવી)ના ચાલક-માલિક સહિત તપાસમાં ખુલાસો થાય તે તમામને આરોપી બનાવવામાં આવ્યા છે. તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરમીટ વિના વેચાણના હેતુસર બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વાડીમાં સંગ્રહ કર્યો હોવાનું તેમજ એકબીજાની મદદગારી અને ષડયંત્ર રચી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે.લાલપુર પોલીસે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૧૧૬(બી) અને ૯૮(૨) હેઠળ ગુનો નોંધી તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ દારૂના જથ્થાનો સ્ત્રોત શોધવા વધુ તપાસ હાથ ધરી છે.

