દેવભૂમિ દ્વારકાની ૩૭ શાળાઓના અંદાજે ૩,૯૭૮ વિદ્યાર્થીઓને ૧૯,૮૯૦ નોટબુક્સનું વિતરણ
(ભરત ભોગાયતા)
Jamnagar તા.૧૩
સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા કુરંગા ગામ સ્થિત ઘડી ડીટર્જન્ટ (આર.એસ.પી.એલ ગ્રુપ) દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. દર વર્ષની મુજબ આ વર્ષે પણ વેલ્ફેર ફાઉન્ડેશનના માધ્યમથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંદાજે ૩૭ જેટલી શાળાઓના અંદાજે ૩૯૭૮ વિદ્યાર્થીઓને કુલ ૧૯૮૯૦ નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ રસ અને ઉત્સાહ જાગૃત કરવાનો તેમજ તેમને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવી પ્રોત્સાહિત કરવાનો છે. નોટબુક વિતરણ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ શિક્ષણ પ્રત્યેની આ સંવેદનશીલ અને સમાજલક્ષી પહેલ બદલ ઘડી ડીટર્જન્ટ ( આર.એસ.પી.એલ ગ્રુપ), આર.એસ.પી.એલ વેલ્ફેર ફાઉન્ડેશન તથા કંપનીના કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

