(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬ઃ
Jamnagar શહેરના પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા-ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતેથી ઝડપી પાડ્યો છે. છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલો આરોપી ત્યાં અનાજ-કરિયાણાની દુકાનમાં કામ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Jamnagar ના એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ સુરેશભાઈ ડાંગર વગેરેને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો આરોપી જેન્તી વલ્લભભાઈ દેત્રોજા (રહે. પટેલ માર્કેટિંગ, મેસવાણ, તા. કેશોદ, જિ. જૂનાગઢ) હાલ શાપર-વેરાવળ ખાતે ધરતી એગ્રો કંપનીના ધરતી એપાર્ટમેન્ટ નીચે આવેલી અનાજ-કરિયાણાની દુકાનમાં કામ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક શાપર-વેરાવળ ખાતે પહોંચી દરોડો પાડી આરોપી જેન્તી દેત્રોજાને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે જામનગર પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯માં ગુ.ર.નં. ૧૭/૨૦૧૯ હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુનો નોંધાયેલો છે. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પંચ-બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

