(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬ઃ
Jamnagar નજીક દરેડ જીઆઈડીસીમાં આવેલી ખાનગી બ્રાસ કંપનીમાંથી રૂ. ૭૩.૬૬ લાખથી વધુ કિંમતનો પિત્તળનો ભંગાર બારોબાર વેચી મારવાના ચકચારી પ્રકરણમાં ઝડપાયેલા કંપનીના આસિસ્ટન્ટ મેનેજરની જામીન અરજી જામનગરની ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી છે. સમાધાન કરાર કર્યા બાદ રૂ. ૨૯ લાખ ચૂકવી બાકીની મોટી રકમ નહીં ચૂકવતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં વેચાયેલા માલની રકમ આરોપીએ પોતાના ભાઈ સહિત સગા-સંબંધીઓનાં બેંક ખાતાંમાં જમા કરાવી હોવાનું પણ બહાર આવ્યું હતું.
આ કેસની વિગતો મુજબ, દરેડ જીઆઈડીસી ખાતે આવેલી અરજણ પ્રિસિઝન મેટલ્સ પ્રા. લિ. કંપનીના ડાયરેક્ટર દિલીપભાઈ ટેકચંદભાઈ ચંદનાણીએ કંપનીના સ્ટોકની ગણતરી કરાવતાં પિત્તળના ભંગારમાં મોટી ઘટ જણાઈ હતી. આ અંગે કંપનીના સીસીટીવી ફૂટેજ અને આંતરિક તપાસ હાથ ધરવામાં આવતાં કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા દિવ્યરાજગીરી સુરજગર ગોસ્વામીએ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ સાથે મેળાપીપણું રચીને માલિકની જાણ બહાર સ્ટોર રૂમમાંથી રૂ. ૭૩,૬૬,૩૫૮.૪૩ની કિંમતનો બ્રાસ સ્ક્રેપ બહાર મોકલી બારોબાર વેચી માર્યો હોવાની હકીકત સામે આવી હતી.
આ મામલે કંપનીના સંચાલકોએ પંચકોશી ’બી’ ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરી હતી. તે વખતે આરોપીએ સમાધાન કરવાની તૈયારી દર્શાવી નાણાં પરત ચૂકવી આપવાનો લેખિત કરાર કર્યો હતો. આથી તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળવામાં આવ્યું હતું. જોકે, આરોપીએ કટકે-કટકે રૂ. ૨૯ લાખ ચૂકવ્યા બાદ બાકી નીકળતી રૂ. ૪૪,૬૬,૩૫૮.૩૩ની રકમ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા.
આખરે કંપનીના સંચાલકોએ ફરી પોલીસનો સંપર્ક સાધતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં આરોપીએ પૂર્વઆયોજિત કાવતરું રચીને કંપનીનો ભંગાર સગેવગે કર્યો હોવાનું તેમજ વેચાણની રકમ પોતાના ભાઈ અને અન્ય સગા-સંબંધીઓનાં બેંક ખાતાંમાં જમા કરાવી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ વિધિવત ગુનો નોંધ્યો હતો.
દરમિયાન ધરપકડથી બચવા આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવાની અરજી કરી હતી. જોકે, કોર્ટમાં થયેલી કાર્યવાહી દરમિયાન તેણે પોતાની અરજી પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત કરી ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. આરોપી તરફથી જામીન પર મુક્ત થવા અરજી કરવામાં આવતાં અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. ગુનાની ગંભીરતા અને કેસની હકીકતોને ધ્યાને લઈ અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.આ કેસમાં મૂળ ફરિયાદી તરફે જામનગરના ધારાશાસ્ત્રીઓ જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ વી. ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા, કેયૂર કે. અજુડિયા, નિલરાજસિંહ જાડેજા, સૂર્યદેવ બારોટ, દિવ્યરાજસિંહ ઝાલા અને યશદીપસિંહ ઝાલા રોકાયા હતા.

