(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫ઃ
સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાના મુદ્દે થયેલા વિવાદની અદાવત રાખીને એક જૂથના શખ્સોએ એકસંપ થઈ ધોકા, લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં ફરિયાદીને માથા અને ગરદનના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે એક સાહેદને હાથની કલાઈ પાસે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. ફરિયાદી ના ભાઈને પણ છરી વડે ગાલના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી તુષાર હસમુખભાઈ પરમાર (ઉંમર વર્ષ ૨૦)- અભ્યાસ) નાં માતા બીનાબેને સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભર્યું હતું, જે બાબત આરોપી મુકેશ પરમારને પસંદ ન હોવાથી અગાઉ ફરિયાદીના પિતા સાથે બોલાચાલી થઈ હતી. આ અગાઉના ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ ભેગા મળી હુમલો કર્યાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ ભરત મેહુલભાઈ પરમાર, કરણ તુલસીભાઈ પરમાર, મુકેશ મંગાભાઈ પરમાર, અર્જુન તુલસીભાઈ પરમાર અને ભરત ઉર્ફે ટકો પરમાર વગેરે આરોપીઓ સફેદ રંગની નંબર પ્લેટ વગરની ગ્લાન્ઝા કારમાં હથિયારો સાથે આવ્યા હતા. ભરતભાઈએ મેહુલભાઈ પરમારના હાથમાં લાકડાનો ધોકો અને લોખંડનો પાઇપ આપ્યો હતો તેમજ કરણ તુલસીભાઈ પરમાર લાકડાનો ધોકો લઈને આવ્યો હતો. ભરતભાઈએ અન્ય એક આરોપી અર્જુનભાઈ પરમારને પણ લાકડાનો ધોકો આપ્યો હતો.
ત્યારબાદ કરણે લાકડાના ધોકાથી ફરિયાદીના માથા અને ગરદનના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી. ભરતભાઈએ લોખંડના પાઇપ વડે એક સાહેદને માર મારતાં તેના ડાબા હાથની કલાઈ પાસે ફ્રેક્ચરની ગંભીર ઈજા થઈ હતી. જ્યારે મુકેશ પરમારે છરી વડે ફરિયાદીના ભાઈના જમણા ગાલ પર હુમલો કરતાં બે ટાંકા લેવા પડ્યા હતા.
આરોપીઓએ ફરિયાદી અને સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ફરિયાદીની બલેનો કારના પાછળના કાચને ધોકા વડે તોડી નુકસાન પહોંચાડી આરોપીઓ નાસી છૂટ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
અનેક કલમો હેઠળ ગુનો નોંધાયોઃઆ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૨૪(૪), ૩૫૨, ૩૫૧(૨), ૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૦ અને ૧૯૧(૩) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

