પુત્રીને સાસરિયેથી તેડીને રિક્ષામાં પરત ફરતી વેળાએ ભંગાર વીણવા બાબતે ઝઘડો થતાં માતાએ આચર્યું કૃત્ય
Rajkot,તા.25
રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક પાસે માતાએ પોતાની ૨૦ વર્ષની દીકરીના ચહેરા પર એસિડ જેવો જવલનશીલ પદાર્થ ફેંકી દેતાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલી યુવતી સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના કુબલિયાપરા વિસ્તારમાં રહેતી અંજલી તુલસીદાસ બહુકિયા (ઉં.વ. ૨૦) ના બીજા લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિયા પક્ષ સાથે કોઈ કારણોસર અણબનાવ બન્યો હતો. આથી તેની માતા આશાબેન પુત્રીને તેડવા માટે જામનગરના દરેડ ગામે ગયા હતા. દીકરીને સાસરેથી લઈને માતા-પુત્રી બંને રિક્ષામાં રાજકોટ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રિક્ષા જ્યારે રામનાથપરા સ્મશાન નજીક કપિલા હનુમાન રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે રસ્તામાં ભંગાર વીણવાની બાબતને લઈને માતા આશાબેન અને પુત્રી અંજલી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે માતા આશાબેને આવેશમાં આવીને રસ્તા ઉપરથી મળી આવેલ જ્વલનશીલ પદાર્થ ભરેલી કાચની બોટલ અંજલીના ચહેરા પર ફેંકી દીધી હતી. જેમાં અંજલીનો ચહેરો ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સગી માતાએ જ પુત્રી પર આવો ઘાતકી હુમલો કરતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

