ભડલી-શનાળા રોડ પર રૂરલ એલસીબી ટીમ ત્રાટકી, રૂ.16.16 લાખનો મુદ્દામાલ કબ્જે : ચાલક અંધારાનો લાભ ઉઠાવી ફરાર
Jasdan,તા.02
જસદણના ભડલી-શનાળા રોડ પરથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે નવી નકોર ટાટા હેરિયર કારમાંથી રૂપિયા 6.16 લાખની કિંમતનો 2623 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 16.16 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ ભરેલી કાર અહીં મૂકી નાસી ગયેલા બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ સામે ઝીરો ટોલરન્સ નીતિથી કામ કરવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા, ઇન્ચાર્જ પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.સી. ગોહિલ, આરવી ભીમાણી તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. એલસીબી ટીમને એવી માહિતી મળી હતી કે, જસદણ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરી કાર પસાર થનાર છે. જેથી આ બાતમીના આધારે પોલીસે જસદણમાં બાયપાસ હાઇવે સ્મશાન પાસેના પુલથી ભાડલી-સનાળા રોડ પરથી શંકાસ્પદ ટાટા કંપનીની હેરિયર કાર નંબર જીજે-23-સીબી-1231 ને અટકાવતા ચાલકે પૂરપાટ કાર દોડાવી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક કાર રેઢી મૂકી નાસી જતાં એલસીબી ટીમે કારમાંથી રૂ. 6.16 લાખની કિંમતનો 2623 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે પોલીસ પહોંચે તે પૂર્વે બુટલેગર અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 16,16,649 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે નાસી ગયેલા બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ધોરાજી નજીક રૂ. 3.44 લાખનો શરાબ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુપેડીથી વાવડી ગામ જવાના રસ્તા પરથી સીયાઝ કારમાંથી રૂ. 3,44,430 ની કિંમતની દારૂની 179 બોટલ ઝડપી દારૂનો જથ્થો લાવનાર મહેન્દ્રસિંહ વેણીદાન રત્નું(રહે જોધપુર,રાજસ્થાન), રિસીવર ભગુ કરસનભાઈ ભારાઈ (રહે. ગિરનાર દરવાજા, જુનાગઢ)ની ધરપકડ કરી કુલ રૂ.6,54, 430 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે હરિયાણા ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર રાકેશકુમાર ગેહલોત નામના સપ્લાયરની શોધખોળ શરૂ કરી હતી.
