Junagadh, તા.16
હાલ જૂનાગઢ જિલ્લામાં સ્વરાજ્ય ચૂંટણીઓ જાહેર થઇ ચૂકી છે ત્યારે દારુની રેલમછેલ થવા લાગી છે. ત્યારે જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ લાલ આંખ કરી પોલીસને સતર્ક કરી ઠેરઠેર રેડ કરતાં ક્રાઇમ બ્રાંચ અને તાલુકા પોલીસે ચાર દરોડા પાડી કુલ રૂા.52 લાખનો વિદેશી દારુ-બીયર ઝડપી પાડ્યો છે જેમાં બે આરોપીઓ પકડાયા હતા. સાતના નામ ખુલતા તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
માંગરોળના સેરીયાજ ગામે રહેતો ખાંભલા નારણ રામધારા, માંગરોળ બંદરના રસ્તે સ્મશાન નાકામાં રાતે દારુનું કટીંગ થઇ રહ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે પીકઅપ વાનમાં તાલપત્રી ઢાંકેલ હોય તેની તલાસી લેતા 7488 બોટલ પેઢીઓમાંથી 16.20 લાખનો દારૂ કબ્જે કરેલ જ્યારે બુટલેગર હાજર મળવા પામ્યો ન હતો.
જૂનાગઢ તાલુકાના યુવનગરની સીમમાં ગચ્ચર લાખાના ખેતરમાં દારુનું કટીંગ થઇ રહ્યાની બાતમીના આધારે રેડ કરતાં છકડો રીક્ષા અને પીકઅપ વાનમાંથી દારુની પેટી ઉતારી માંડવીના ભુક્કામાં સંતાડેલ માલુમ પડતા ગાંધીગ્રામના મયુર કરણ ભારાઇને દબોચી લઇ રૂા.10.07 લાખની 3876 બોટલ કબ્જે કરી હતી.
પૂછપરછમાં ગાંધીગ્રામના કીરીટ છેલાણા પાસેથી દારૂ મંગાવ્યાની કબુલાત આપી હતી, મયુર ભારાઇ સાથે ગાંધીગ્રામના રામા દેવરાજ મોરી, અરજણ ઉર્ફે રાજડી વંશ ત્રણેય ભાગીદાર હોવાનું તથા અડધો દારૂ મધુરમના આલા સીદી રાડાને આપવાનો હોવાનું કબુલ્યું હતું.
જૂનાગઢ તાલુકાના જામકા ગામની ચોકડી પાસે રૂદ્ર પેટ્રોલ પંપનો સંચાલક વિદેશી દારુની હેરાફેરી કરતો હોવાની બાતમી પરથી પેટ્રોલ પંપની પાછળ આવેલા સ્ટોર રૂમમાંથી 71 બોટલ મળી રૂા.85,200નો જપ્ત કરી સંચાલક ચિરાગ ગોંડલીયાને દબોચી લીધો હતો.
જેની પૂછપરછમાં જામકાના કુલદીપ તથા વનરાજ ભાણકુ અને બે શખ્સોએ દારુ આપ્યાની કબુલાત આપતા જામકાના ઇટાળી ચોકડી પાસે કેનાલના કાંઠે થાપરાભાઇ દેવરાજ ઘોડામાં દારૂ છુપાવ્યો હોવાનું ખુલતા પોલીસે રેડ કરી 371 બોટલ રૂા.4.45 લાખની બોટલો મળી આવી હતી.

