North Korea,તા.27
ઉત્તર કોરિયાએ સ્વિત્ઝરલેન્ડના રાજદ્વારી પ્રતિનિધિને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપીને પ્યોંગયાંગ સ્થિત સ્વિસ ઑફિસ બંધ કરવા જણાવી દીધું છે. ખાસ વાત એ છે કે ઘણા વર્ષો સુધી બંધ રહ્યા બાદ માત્ર થોડા અઠવાડિયા પહેલાં જ સ્વિત્ઝરલેન્ડે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં પોતાની ઑફિસ ફરીથી ખોલી હતી.
બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો શરૂ થયા હતા, પરંતુ એક ચિલ્ડ્રન્સ કેમ્પ પર સ્વિત્ઝરલેન્ડે લગાવેલા પ્રતિબંધને કારણે ઉત્તર કોરિયા ભડકી ઉઠ્યું છે અને તેણે આ પગલાને ‘ખુલ્લી દુશ્મની’ ગણાવી છે.
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઉત્તર કોરિયાના પૂર્વી શહેર વોન્સનમાં આવેલો ‘સોંગડોવોન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ કેમ્પ’ છે, જ્યાં રશિયા અને ચીન સહિત ઘણા દેશોના બાળકો આવે છે.
સ્વિત્ઝરલેન્ડે આ કેમ્પને પ્રતિબંધોની યાદીમાં સામેલ કર્યો છે. સ્વિસ અધિકારીઓનો આરોપ છે કે રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન વિસ્તારોમાંથી બાળકોને ઉત્તર કોરિયા લાવવા માટે આ કેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉત્તર કોરિયાના આ આકરા નિર્ણય બાદ સ્વિત્ઝરલેન્ડે સ્પષ્ટતા કરી છે કે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય અને ઉત્તર કોરિયા સાથે વાતચીત ચાલુ રાખવાની નીતિ બંને અલગ બાબતો છે.
સ્વિસ વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્યોંગયાંગમાં ઑફિસ ફરીથી ખોલવાનો અર્થ એ બિલકુલ નહોતો કે સ્વિત્ઝરલેન્ડ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રતિબંધો કે રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલા યુરોપિયન યુનિયનના પ્રતિબંધોનો અમલ કરવાનું બંધ કરી દેશે.

