Gandhinagar, તા. 27
`ડિજિટલ ગુજરાત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની કામગીરીને ઝડપી, પારદર્શક અને પેપરલેસ બનાવવા `Transforming Survey Ecosystem Web Portal’ વિકસાવવામાં આવ્યું છે. મૂલ્યાંકન નિયામકની કચેરી દ્વારા NICના ટેકનિકલ સહયોગથી તૈયાર કરાયેલા આ પોર્ટલ મારફતે હવે આગામી તમામ મૂલ્યાંકન અભ્યાસ ઓનલાઇન હાથ ધરાશે.
સચિવાલયના તમામ વિભાગોના સંયુક્ત સચિવો અને નાયબ સચિવોને યુઝર આઈડી તથા પાસવર્ડ આપવામાં આવ્યા છે. તેઓ જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથે પોતાના વિભાગની યોજનાના મૂલ્યાંકન માટે ઓનલાઇન દરખાસ્ત સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગને મોકલી શકશે. દરખાસ્તની ચકાસણી બાદ તેને મૂલ્યાંકન નિયામકની કચેરીને ઓનલાઇન મોકલવામાં આવશે.
ત્યારબાદ સ્ટડી ડિઝાઇન, મેથોડોલોજી અને અંતિમ મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવાની કામગીરી પણ ઓનલાઇન થશે. આ પોર્ટલની મદદથી દરખાસ્ત રજૂ કરવાથી લઈને મૂલ્યાંકન અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીના તમામ તબક્કાઓનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરી શકાશે.
પોર્ટલની કાર્યપદ્ધતિથી અધિકારીઓને માહિતગાર કરવા આજરોજ સચિવાલય ખાતે વિવિધ વિભાગોના પ્રતિનિધિ અને નોડલ અધિકારીઓ માટે વર્કશોપ યોજાયો. આ પહેલથી વહીવટી પ્રક્રિયામાં સમયનો બચાવ અને સરકારી યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન વધુ સુવ્યવસ્થિત તથા સચોટ બનશે.

