Tehran, તા.9
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે 40 દિવસે યુધ્ધવિરામ જાહેર થયાના કલાકોમાં જ ફરી તનાવ સર્જાવા સાથે તે ટકી શકવા વિશે આશંકા હોય તેમ લેબેનોન પર ઇઝરાયેલના સૌથી ભયાનક હુમલા થતાં ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરી દીધું છે. અગાઉ પ્રતિ બેરલ એક ડોલરનો ટોલ વસુલીને જ્હાજોને પરિવહનની છૂટ્ટ આપવાનું જાહેર કર્યું હતું.
અમેરિકા-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ જાહેર થયા બાદ ઇઝરાયેલે તૂર્ત એલાન કર્યું હતું કે આ સમજુતીમાં લેબેનોન સામેલ નથી અને તેના પર હુમલા ચાલુ જ રહેશે. આ જાહેરાતના કલાકો બાદ ઇઝરાયેલે લેબેનોન પર અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કર્યો હતો જેને પગલે વિફરેલા ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરીને જહાજોની છુટ્ટ અટકાવી દીધી હતી.
યુધ્ધ વિરામ પછી પણ ઇરાન પર બોંબ પડ્યા હતા અને તેલ રીફાઇનરી ભડકે બળી હતી જેને પગલે ઇરાને સાઉદી અરેબિયા, કુવૈત જેવા દેશોમાં હુમલા કર્યાનું બહાર આવ્યું છે. આ સંજોગોમાં બે સપ્તાહનો યુધ્ધવિરામ ટકી શકવા સામે સવાલ ઉભા થયા છે એટલું જ નહીં તેનો ફિયાસ્કો થવાની આશંકા વ્યકત થવા લાગી છે.
દરમ્યાન યુધ્ધ વિરામ વચ્ચે હોર્મુઝ મામલે ઇરાને વધુ એલાન કર્યું છે અને જહાજોના પરિવહન માટે વૈકલ્પિક દરિયાઇ માર્ગનું એલાન કર્યું છે જેની ક્રૂડ સહિતની સપ્લાય ચેઇનને અસર થઇ શકે છે.
ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડની નેવીએ જાહેર કર્યું કે દરિયાઇ સુરક્ષાને પ્રાથમિકતા આપવાના ભાગરૂપે નવો વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે અને જહાજોને તે નવા માર્ગેથી પસાર થવું પડશે. ઇરાનના આ ખેલથી સપ્લાય ચેઇન મામલે નવું સંકટ સર્જાવાના એંધાણ છે. દરયાિઇ સૂરંગ તથા યુધ્ધની નુકશાનીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

