Washington,તા.11
સોના-ચાંદીના ભાવમાં ગત કેટલાક સમયમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. ક્યારે આ ભાવ આસમાને પહોંચ્યા તો ક્યારેક ક્રેશ થતા નજરે પડ્યા. આ વચ્ચે સોના-ચાંદીના રોકાણની સલાહ આપનારા જાણીતા લેખક રોબર્ટ કિયોસાકીએ પોતાની નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા વચ્ચે ખરીદીની સલાહ આપી છે. આ સાથે જ તેમણે અમેરિકન ડોલરને લઇને ચેતવણી પણ આપી દીધી છે.
રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ ટ્વિટર) પર મંગળવારે એક નવી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે હાલમાં જ કરાયેલી પોતાની ચાંદીની ખરીદી અંગે જણાવ્યું છે. તેમણે પોતાના આ વાયરલ X પોસ્ટમાં લખ્યું કે, મેં હજુ બીજા 600 અમેરિકન સિલ્વર ઇગલ્સ ખરીદ્યા છે. આજનો સ્પોટ 82 ડોલર પ્રતિ એક ઔંસ(આશરે 2.66 તોલા) છે.’
આ ઈગલ સિક્કામાં 99.9 ટકા શુદ્ધ ચાંદીનો 1 ટ્રોય ઔંસ (31.1 ગ્રામ) હોય છે. આ સિક્કાઓનો ઉપયોગ મુખ્ય રીતે ચાંદીમાં રોકાણ કરવા માટે કરવામાં આવે છે.
એક તરફ ચાંદીના ભાવ ઘટી રહ્યા છે, તો બીજી તરફ રોબર્ટ કિયોસાકી તેને ખરીદવાનો મોકો ગણાવતા રોકાણકારોને ચાંદી ખરીદવાની સલાહ આપી રહ્યા છે.
તેમણે પોતાની પોસ્ટમાં નવા ટાર્ગેટ પ્રાઇઝ આપતા લખ્યું કે, ‘હજુ પણ લાગે છે કે, 2026માં ચાંદી 200 ડોલર પ્રતિ ઔંસ અથવા તેનાથી પણ ઉપરના સ્તરે પહોંચી જશે.’ રોબર્ટ કિયોસાકીએે અમેરિકન ડોલરને લઈને મોટી ચેતવણી પણ આપી દીધી છે.
તેમણે લખ્યું કે, ‘અમેરિકન ડોલર સંકટમાં છે. ફિએટ કરન્સી (નકલી ડોલર) બચાવનારાઓને સૌથી વધુ નુકસાન થશે. એટલા માટે પોતાનું ધ્યાન રાખો.’

