Gir Somnath,તા.૨૪
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠા પર અસર થઇ છે. ગુજરાતમાં પણ ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનું સંકટ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે ગીર સોમનાથમાં ગેસના બાટલાની કાળા બજારી કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આ શખ્સ પાસેથી ગેસની ૩૦ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુપાસી ગામમાં એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડા પાડી લખમણભાઇ ઉર્ફ ગોપાલ વસાભાઇ બારડ (ઉ.વ.૩૮)ને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન શખ્સ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ તથા કોમર્શિયલ એલપીજી ગેસના બાટલાનું રીફિલિંગ કરી વધારાના ભાવે કાળા બજારમાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી કૂલ ૩૦ ગેસના બાટલા (ખાલી અને ભરેલા) કબ્જે કર્યા હતા. આ ઉપરાંત, ગેરકાયદેસર રીફિલિંગ માટે વપરાતી ૨ ઇલેક્ટ્રિક મોટર, ૪ રેગ્યુલેટર-નળી સેટ તથા ૧ વજન કાંટો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલની કૂલ કિંમત અંદાજે ૧,૦૭,૩૨૦ જેટલી આંકવામાં આવી છે. પકડાયેલા શખ્સ પાસે કોઇપણ પ્રકારની કાયદેસર મંજૂરી કે પરમીટ ન હોવાનું સામે આવતા તેના વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ વધુ તપાસ અને કાર્યવાહી માટે મામલતદાર, વેરાવળ ગ્રામ્યને સોપવામાં આવ્યો છે.
ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સંકટની આ પરિસ્થિતિમાં જનતાની જરૂરિયાતનો લાભ લઇ ગેરવાજબી નફો કમાવનારાઓને કોઇ પણ રીતે છોડવામાં નહીં આવે.

