Surendaranagar, તા.6
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના વાવડી ગામે રહેતા હેમુભાઈ નરશીભાઈ કોળીએ પોતાના ટાટા સુપર એસ વાહન ઉપર સુરેન્દ્રનગરની શ્રીરામ ફાઈનાન્સ કંપનીમાંથી વર્ષ 2015માં 2 લાખની લોન લીધી હતી.લોનના હપ્તા નીયમીત ન ભરાતા અને કંપની દ્વારા ઉઘરાણી કરાતા હેમુભાઈએ તા. 25-3-23ના રોજ રૂપીયા 3.60 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાંથી પરત ફરતા કંપની દ્વારા તા. 9-5-23ના રોજ સુરેન્દ્રનગર ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો.
આ કેસ તાજેતરમાં ચાલી જતા કંપનીના વકીલ આર.એમ.જોષીની દલીલો, 1 મૌખીક અને 9 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ જજ આર.વી. વૈશ્યએ આરોપી હેમુભાઈને કસુરવાર ઠેરવી 1 વર્ષની સજા અને ચેકની રકમ રૂપીયા 3.60 લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે. આ ઉપરાંત આરોપીને 10 હજારનો દંડ કરાયો છે. અને દંડની રકમ પણ કંપનીને વળતર તરીકે ચુકવવા જણાવાયુ છે. આરોપીની ગેરહાજરીમાં કોર્ટે તેનું ધરપકડ વોરંટ પણ ઈસ્યુ કરવા હુકમમાં જણાવાયુ છે.

