Tehran તા.2
અમેરિકા તથા ઈઝરાયેલના હુમલા બાદ આક્રમક બનેલા ઈરાને હવે મધ્ય પુર્વમાં અમેરિકી મથકોને ભીષણ હુમલાથી નિશાન બનાવવાનું શરુ કરી દીધુ છે અને આજે કુવૈતમાં એક અમેરિકી ફાઈટર વિમાનને તોડી પાડયાનો ઈરાને દાવો કર્યો છે અને આ વિમાન આકાશમાંથી આગમાં લપેટાયેલુ જમીનદોસ્ત થતો વિડીયો પણ જાહેર થયો છે.
બીજી તરફ બહેરીન, દુબઈ અને દોહામાં પણ ઈરાનના જબરા હુમલા બાદના વિસ્ફોટ સાંભળવા મળ્યા હતા. ઈરાનના એક સૌથી મોટા હુમલામાં સાઉદી અરેબીયાની વિખ્યાત અરામકો રિફાઈનરી પર ડ્રોનથી બોમ્બ વરસાવ્યા હતા અને તેના કારણે રિફાઈનરીના અનેક ભાગોમાં આગ લાગતા તાત્કાલીક રિફાઈનરીનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે.
દુનિયાની સૌથી મોટી આ ઓઈલ રિફાઈનરીમાં રોજના છ લાખ બેરલ ક્રુડતેલ રિફાઈન્ડ કરવામાં આવે છે. ઓઈલ એક્ષપોર્ટ ટર્મીનલ રાસ તુનારામાં આવેલી આ રિફાઈનરીથી દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડિઝલ અને અન્ય પેટ્રોલીયમ પેદાશોની નિકાસ થાય છે જેના પર ઈરાનના હુમલાથી જબરી સ્તબ્ધતા છવાઈ ગઈ છે.
ઈરાને અરામકો ઉપર અનેક ડ્રોનથી હુમલો કર્યો હતો જેના કારણે ઠેર ઠેર આગ ફાટી નીકળી હતી. એક તરફ ઈઝરાયેલે ઈરાન પર નવા હુમલાની તૈયારી કરી છે અને લેબનોનમાં પણ હીઝબુલ્લાના મથક પર કરેલા ભારે હુમલામાં 31 લોકોના મોત થયા છે. તો બીજી તરફ મધ્યપુર્વ પુરી રીતે આ યુદ્ધમાં આવી ગયું છે.
કુવૈતમાં અમેરિકી રાજદૂત કચેરીને પણ ઈરાને નિશાન બનાવ્યું છે અને અહીના દૂતાવાસમાં ઈરાની હુમલાને પગલે આગના દ્રશ્યો સર્જાયા છે. કુવૈતમાં મીના અલ અહમદી રિફાઈનરી પર પણ ઈરાને હુમલો કર્યો છે અને તેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે.
બહેરીનમાં સતત હવાઈ હુમલાના સાયરન અને તેની સાથે વિસ્ફોટકોના અવાજ સંભળાઈ રહ્યા છે. અબુધાબીમાં પણ ધમાકાના અહેવાલ છે. ઈઝરાયેલે પણ સ્વીકાર્યુ છે કે તેના અનેક શહેરોને ઈરાની મિસાઈલથી નિશાન બનાવાયા છે.
કતારની રાજધાની દોહામાં અડધો ડઝનથી વધુ સ્થળોએ વિસ્ફોટ થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે સ્થાનિક સતાવાળાઓએ દાવો કર્યો છે કે ઈરાન તરફથી દાગવામાં આવેલા અનેક મિસાઈલને ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે અને તેને હવામાં જ તોડી પાડવામાં સફળતા મળી છે.
ગત શનિવારથી શરુ થયેલા આ જંગમાં અમેરિકાએ પ્રથમ ફાઈટર જેટ વિમાન ગુમાવ્યું છે. એફ-16 પ્રકારના આ વિમાનના પાયલોટે જો કે સમયસર ઈન્જેકટ કરી લીધુ હતું અને તે ધરતી પર સલામત ઉતર્યુ હોવાનું બહાર આવ્યું છે.
કુવૈતમાં સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકી વિમાન પર ઈરાને મિસાઈલ હુમલો કર્યો હતો. દુબઈમાં પણ આજે અનેક સ્થળોએ વિસ્ફોટકોના અવાજ સાંભળવા મળ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલના હુમલાનો જવાબ આપવા ઈરાને સાત જેટલા શહેરો પર કરેલા હુમલાથી યુદ્ધની તીવ્રતા વધી ગઈ છે.

