London,તા.20
ઉતરી લંડનમાં ગઈકાલે સાંજે બે ટ્રેન વચ્ચે ભીષણ ટકકર સર્જાતા ડ્રાઈવરનું મોત થયું હતું અને 80 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં 11ની હાલત અત્યંત ગંભીર ગણવામાં આવી રહી છે.
લંડનના ઉતરમાં બેડકોડ પાસે બે ટ્રેનો સામે સામી ટકરાઈ હતી. ગઈકાલે સાંજે થયેલી આ દુર્ઘટનામાં મુસાફરોના જણાવ્યા મુજબ બંને ટ્રેનોની ટકકર એટલી ભીષણ હતી કે યાત્રીકો પોતાની સીટ પરથી ઉછળીને કોચ સાથે ભટકાયા હતા.
આ બંને ટ્રેનો લંડનના સેન્ટ પેઈનક્રાસ સ્ટેશન ભણી દક્ષિણમાં જઈ રહી હતી. સાંજે 5.15 કલાકે આ દુર્ઘટનામાં જે ઘાયલ થયા છે તેમાં અનેક લોહીથી લથબથ અને હાડકા પાસળા તુટેલી હાલતમાં હતા.
આ ટકકરના કારણે એક ટ્રેનના ડ્રાઈવરનું મૃત્યુ થયુ હતું. એક યાત્રીને જણાવ્યું કે પહેલા તો કોઈ ત્રાસવાદી હુમલો થયો હોય તેવું જણાયુ હતું. પરંતુ લોકો કોચમાં ઘાયલ થયેલા અને કણસતા પડયા હતા. તુર્તજ રાહત બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.
આ દુર્ઘટના પછી આ રૂટની અનેક ટ્રેનોને રદ કરવામાં આવી હતી અને અન્યનો માર્ગ બદલવામાં આવ્યો હતો. દુર્ઘટનાના કારણે તપાસના આદેશ અપાયા છે. અનેક લોકોને કોચમાં ફસાયા હોવાથી દરવાજા કાપીને બહાર કાઢવાની ફરજ પડી હતી અને તેના કારણે રાહત બચાવમાં મુશ્કેલી પડી હતી.
રેલ્વેના જણાવ્યા મુજબ આગળ જઈ રહેલી નોટીંગહામ-લંડન ટ્રેનએ ઓચિંતી જ બ્રેક મારતા પાછળ આવી રહેલી કોર્બી-લંડન ટ્રેન તેની સાથે ટકરાઈ હતી. લંડનથી 90 કી.મી. દુર આ દુર્ઘટના થઈ હતી.
નસીબદાર એ હતી કે, પાછળ આવી રહેલી ટ્રેનની સ્પીડ થોડી ઓછી હતી નહીતર દુર્ઘટનામાં વધુ મૃત્યુ થયા હોત. ઓછી સ્પીડને કારણે ટ્રેનના કોચ પણ પાટા પર જ રહ્યા હતા અને માનવામાં આવે છે કે બંને ટ્રેનો 40 કી.મી.ની રફતારથી આગળ વધી રહી હતી.

