New Delhi,તા.20
અગાઉ પેપર લીકના કારણે રદ થયેલી મેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની રી-નીટ પરિક્ષા પુર્વે દેશભરના 5000થી વધુ પરિક્ષા કેન્દ્ર પર જબરો સુરક્ષા બંદોબસ્ત લાદી દેવાયો છે તો નીટના પેપર હવાઈદળ મારફત દેશભરમાં પહોચાડયા બાદ પણ લોખંડી સુરક્ષા હેઠળ રખાયા છે.
કાલે બપોરે 2 વાગ્યે શરૂ થનારી પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે પણ ખાસ આકરા નિયમો લાદવામાં આવ્યા છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ પરિક્ષાના પેપર તૈયાર કરનાર તમામને હાલ સુરક્ષિત સ્થળે `બંધ’ રાખ્યા છે.
કાલે પરિક્ષા પુરી થયા બાદ જ તેઓને મુકત કરાશે. બીજી તરફ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ પરિક્ષાના પેપર ફુટી જાય નહી અને સોશ્યલ મીડીયામાં પણ કોઈ અફવા ફેલાય નહી તે માટે સોશ્યલ મીડીયા પર નજર રાખવા ખાસ સાયબર કમાન્ડો નિયુક્ત કર્યા છે.
તે તમામ ઓનલાઈન ગતિવિધિ પર નજર રાખશે. ભારત ઉપરાંત સાઉદી અરેબીયા સહિત 12 વિદેશી કેન્દ્રોમાં પણ પરિક્ષા યોજાઈ રહી છે. જેમાં આ પરિક્ષા અંગે કે પ્રશ્નપત્ર અંગે અફવા ફેલાવનાર સામે તુર્તજ પોલીસ એકશન લેવામાં આદેશ અપાયા છે.
આ ઉપરાંત આજે સવારે 9 વાગ્યાથી તમામ પરિક્ષા કેન્દ્ર પર સુરક્ષાની મોકડ્રીલ સાંજ સુધી થશે. દેશભરમાં તેવા 2.5 લાખ સુરક્ષાદળો આ કામગીરીમાં ભાગ લેશે. તમામ પરિક્ષા કેન્દ્રોને ત્રણ સ્તરની સલામતી વ્યવસ્થા ગોઠવાઈ છે.
તમામ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવીથી લાઈવ મોનેટરીંગ થશે. આ પરિક્ષામાં 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ કાલે સાડા ત્રણ કલાક સુધી ભારે તનાવ હેઠળ પરિક્ષા આપશે. વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડની પણ ખાસ સૂચના છે તથા પરિક્ષા કેન્દ્ર પર પણ પાણી-તબીબી સારવાર- એમ્બ્યુલન્સ વિ.ની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે.
સરકારે પેપર લીકેજ સહિતના માટે બદનામ ટેલીગ્રામ એપ. પર તા.22 સુધી પુરો પ્રતિબંધ લાદી દીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધરમેન્દ્ર પ્રધાન ખુદ પરીસ્થિતિનું મોનેટરીંગ કરી રહ્યા છે. રી-નીટ પુર્વે જ પરિક્ષાના તનાવમાં ગુજરાત સહિતના રાજયોમાં સાત જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેથી વિવાદ પણ સર્જાયો છે.

