જૂની એન્ટ્રીના ડિજિટાઈઝેશન બાદ જિલ્લા કક્ષાએથી એપ્રુવ કરવાના નિયમથી વિલંબ
Mehsana, તા.૧
Mehsana કોર્પોરેશનમાં વર્ષ ૨૦૧૬ પહેલાંના જન્મ-મરણ પ્રમાણપત્રમાં સુધારા કે વધુ કોપી મેળવવા માટે આવતી અરજીઓનો નિકાલ કરવામાં જિલ્લા કક્ષાએથી એપ્રુવ કરવામાં થતા વિલંબના કારણે ૩૦૦૦ જેટલી અરજીઓનો ખડકલો થયો છે અને અરજદારો ધક્કા ખાવા મજબૂર બન્યા છે.રાજ્યમાં જન્મ-મરણ નોંધણીની કામગીરી દસેક મહિનાથી કેન્દ્ર સરકારની ઝ્રઇજી (સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ)માં તબદીલ કરાઈ છે. જો કે, ઝ્રઇજી પોર્ટલમાં વારંવાર લોગ આઉટના પ્રશ્નો આવી રહ્યા છે.
ઉપરાંત વર્ષ ૨૦૧૬ પહેલાંના જૂના દાખલામાં સુધારો કરવા કે વધુ કોપી મેળવવા માટે અરજદારો અરજી કરે ત્યારે એકાદ મહિનાથી જુની એન્ટ્રીના ડિજિટાઈઝેન માટે કોર્પોરેશન મારફત જે એન્ટ્રી થાય છે તે એપ્રુવ માટે જિલ્લા કક્ષાએ જાય છે. સમગ્ર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પણ એપ્રુવ માટે જિલ્લા કક્ષાએ એક જ આઈડી જિલ્લા જન્મ-મરણ રજિસ્ટ્રાર એટલે કે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પાસે જાય છે. મહેસાણા કોર્પોરેશનમાં જ દૈનિક ૧૫૦ જેટલી અરજીઓ આવે છે એ પ્રમાણે જિલ્લાભરમાંથી અનેક અરજીઓ આવતી હોઈ જિલ્લા કક્ષાએ દૈનિક મોટી સંખ્યામાં ડિજિટાઈઝેશનની એપ્રુવ આપવાની થાય છે. દરેક એન્ટ્રીના એપ્રુવ માટે અલગ અલગ પ્રોસેસ કરવાની થતી હોવાથી એપ્રુવની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.
જેના કારણે મહેસાણા મહાનગરપાલિકામાં જ ૩૦૦૦ જેટલી અરજીઓ પેન્ડિંગ થઈ છે અને અરજદારો દાખલા લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. હાલમાં શાળામાં પ્રવેશ સહિતના કારણોસર જન્મના દાખલામાં આખાં નામ લખવા સહિતના સુધારા માટે પણ મોટી સંખ્યામાં અરજીઓ આવી રહી છે, જેનો નિકાલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.મહેસાણા મનપાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૦૧૬ બાદના જન્મ-મરણના દાખલા માટે કે હવે નવા જન્મ-મરણના દાખલા કોર્પોરેશન કક્ષાએથી જ આપી શકાય છે, એટલે એના માટે પ્રશ્ન ઊભો થતો નથી. પરંતુ જુની એન્ટ્રીના ડિજિટાઈઝેશન માટે કોર્પોરેશન મારફત થતી એન્ટ્રી એપ્રુવ માટે જિલ્લા કક્ષાએ જાય છે તેના બદલે કોર્પોરેશન લેવલે જ સત્તા આપવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે તેમ છે. જે બાબતે મનપા દ્વારા રાજ્ય કક્ષાએ આરોગ્ય વિભાગમાં રજૂઆત કરાઈ છે, જો કે, આ પદ્ધતિમાં ફેરફાર કરવાનું કેન્દ્રમાંથી શક્ય છે.

