ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પહોંચેલી કડી પોલીસે મૃતદેહનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
Mehsana, તા.૧૨
કડી તાલુકાના અણખોલ ગામની સીમમાં આવેલી એક ખાનગી કંપનીના પરિસરમાં બુધવારે મોડી રાત્રે જમતી વખતે શ્રમિક મિત્રો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બચાવવા વચ્ચે પડેલા યુવકને પિતરાઈ ભાઈએ લાકડાનો ફટકો મારી દેતાં તેમનું મોત નીપજ્યું હતું. કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કડીના અણખોલ પાટિયા પાસે આવેલી દુવા રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઉત્તર પ્રદેશના રાહુલ રામસુરેશ નિશાદ (ઉં.વ. ૨૨) અને તેનો મોટો ભાઈ ઇન્દ્રજીત નિશાદ (ઉં.વ. ૩૪) શ્રમિક તરીકે નોકરી કરતા હોઈ લેબર કોલોનીમાં સાથે રહેતા હતા. બુધવારે રાત્રે આશરે સાડા દસેક વાગ્યે રાહુલ, ઇન્દ્રજીત, તેમના મામાનો દીકરો આકાશ રાજારામ નિશાદ, તેમજ કંપનીના અન્ય સાથી કર્મચારીઓ પરમાત્મા ઉર્ફે આત્મારામ હરીરામ સહિતના મિત્રો કંપનીના કમ્પાઉન્ડમાં એક ઝાડ નીચે ચૂલા પર રસોઈ બનાવીને સાથે જમવા બેઠા હતા. જમતી વખતે પરમાત્મા અપશબ્દો બોલતો હોઈ આકાશે તેને ના પાડી હતી.
જેથી ઉશ્કેરાઈ ગયેલા પરમાત્માએ આકાશ સાથે બોલાચાલી કરી ધક્કો મારતાં તે પડી ગયો હતો. જેથી ગુસ્સે થયેલો આકાશ બાજુમાં પડેલું એક લાકડું લઈને પરમાત્માને મારવા જતાં રાહુલ અને ઇન્દ્રજીત તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા. દરમિયાન ઉશ્કેરાયેલા આકાશે લાકડું જોરથી ફટકારતાં તે ઇન્દ્રજીતના માથાના ભાગે વાગ્યું હતું અને તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. ગભરાઈ ગયેલા રાહુલ, આકાશ સહિત ઇન્દ્રજીતને બાઈક પર બેસાડી સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબોએ ઇન્દ્રજીતને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પહોંચેલી કડી પોલીસે મૃતદેહનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રાહુલ રામસુરેશ નિશાદની ફરિયાદના આધારે આરોપી આકાશ રાજારામ નિશાદ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ પીઆઈએ હાથ ધરી છે.ઉલ્લેખનિય છે કે, મૃતક ઇન્દ્રજીત પોતાની પાછળ પત્ની ગુડિયા અને બે માસૂમ બાળકો (અભિષેક અને અભય)ને વિલાપ કરતા છોડી ગયો છે.

