Banaskantha ,તા.૪
બનાસકાંઠાના ધાનેરા રેલવે સ્ટેશન નજીક વોકિંગ કરતા યુવક પર અજાણ્યા હુમલાખોરોએ લોખંડની પાઈપથી નિર્દય હુમલો કરી ૭.૫ તોલાની સોનાની ચેન લૂંટી લીધી હતી.ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ જામી ગયો છે.બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં રહેતો યુવક રોજની માફક સાંજે વ્યાયામ અને વોકિંગ માટે ધાનેરા રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં નીકળ્યા હતા.
અચાનક બે-ત્રણ અજાણ્યા યુવકોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ લોખંડની પાઈપ વડે યુવકને માથા અને શરીરના વિવિધ ભાગે નિર્દયતાથી માર માર્યો, જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો.હુમલાખોરોએ તેમની ગળામાં પહેરેલી ૭.૫ તોલાની સોનાની ચેન છીનવી લીધી અને તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.સમગ્ર ઘટના થોડી જ મિનિટોમાં બની ગઈ હતી.સ્થાનિક લોકોએ જોયા પછી ઘાયલ યુવકને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલુ છે. ધાનેરા રેલવે પોલીસ સ્ટેશનએ આ ઘટનાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ સાથેજ સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં કર્મેશ્વર શૉપિંગ સેન્ટર બહાર પાર્ક કરેલી કારને નિશાન બનાવી અજાણ્યા ગઠિયાએ ચોરીની ઘટના અંજામ આપી હતી. ગઠિયાએ પથ્થર વડે કારનો કાચ તોડી અંદર રાખેલા આશરે ૧ લાખ રૂપિયાની રોકડ રકમ લૂંટી લીધી અને માત્ર ૫ મિનિટમાં સ્થળ પરથી ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતા જ કામરેજ પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે, જ્યારે આ બનાવથી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

