પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
શાળાની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ ઉત્પાદ વેંચતા શખ્સો સામે પોલીસે 136 અને મનપાએ 94 કેસ કર્યા
Harpalsinh Jadeja,Rajkot,તા.19
શહેરને ઉડતા રાજકોટ બનતા અટકાવવા પોલીસ મેદાને આવી છે. ગત એક જ માસમાં પોલીસે રૂ 18.68 લાખની કિંમતના ગાંજા અને ડ્રગ્સના જથ્થા સાથે 10 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં યોજાયેલી નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં સીપીએ યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રાખવા કોલેજ-યુનિવર્સીટીમાં ડ્રગ્સ અવેરનેશ કેમપેઈન કરવા સૂચના આપી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરએ નશીલા ડ્રગ્સના દુષણથી યુવાનો દૂર રહે તે માટે ખાસ કરીને કોલેજ, યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઈન કરવા સૂચના આપી હતી. વધુમાં નોડલ અધિકારીઓએ વિશેષ સતર્કતા દાખવી આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ જણાય તો પોલીસ વિભાગને જાણ કરવા સૂચના આપી હતી.
ડી.સી.પી. ક્રાઇમ જગદીશ બંગરવાએ એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ચાલુ માસે કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેમાં એક માસમાં ગાંજાના ૩૭ છોડ સહીત રૂ. ૧૭ લાખનો ગાંજો તેમજ રૂ. ૧.૬૮ લાખથી વધુની કિંમતનો મેફેડ્રોન મળીને કુલ રૂ. ૧૮.૬૮ લાખની કિંમતના નશાકારક પદાર્થ ઝડપી ૬ કેસમાં ૧૦ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માહિતી આપતા જણાવ્યું હતું.
પોલીસ વિભાગ દ્વારા શાળા આસપાસ ૧૦૦ મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તમાકુ સંબંધી વેચાણકર્તા પાન ગલ્લા વિરુદ્ધ કોટપા એક્ટ હેઠળ ૧૩૬ કેસમાં રૂ. ૨૭,૨૦૦ અને મહાનગરપાલિકા દ્વારા ૯૪ કેસમાં રૂ. ૨,૭૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું જયારે એન્ટી ડ્રગ્સ સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા રૂ. ૨ લાખથી વધુની કિંમતનો ૪ કિલો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હોવાનું ડીસીપી બંગરવાએ જણાવ્યું હતું.

