શાહિદ કપૂરની પત્ની મીરા પહેલી વખત કરીના સાથે આ શોમાં ઔપચારિક રીતે કેમેરા સામે વાતચીત કરતી જોવા મળશે
મુંબઈ, તા.૯
Kareena Kapoor Khan પોતાના લોકપ્રિય શો ‘વોટ વુમન વોન્ટ’ની નવી સીઝન સાથે પરત ફરી રહી છે. શોના નવા ટ્રેલરમાં મનોરંજન જગતના અનેક જાણીતા ચહેરાઓ સાથેની વાતચીતની ઝલક જોવા મળી છે. આ સીઝનમાં મીરા રાજપૂતની હાજરી ખાસ ચર્ચામાં છે. શાહિદ કપૂરની પત્ની મીરા પહેલી વખત કરીના સાથે આ શોમાં ઔપચારિક રીતે કેમેરા સામે વાતચીત કરતી જોવા મળશે.ટ્રેલરમાં કરીના મીરાને કહેતી જોવા મળે છે, “મને લાગે છે કે બધા આના માટે ઉત્સાહિત છે.”
શૂટિંગ દરમિયાન કરીનાએ મીરા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને તેને “ખૂબ જ હૂંફાળી અને પ્રેમાળ” ગણાવી હતી. મીરાએ પણ આ પોસ્ટ શેર કરીને શોમાં આમંત્રણ આપવા બદલ કરીનાનો આભાર માન્યો હતો. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૂટિંગની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.‘વોટ વુમન વોન્ટ’ની નવી સીઝનમાં સેલિબ્રિટી લાઇફ, સંબંધો અને અંગત અનુભવો સહિત મહિલાઓ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. મિકી કોન્ટ્રાક્ટર, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, નીતુ કપૂર, ભાવના પાંડે અને મહીપ કપૂર સહિતના મહેમાનો પણ શોમાં જોવા મળશે.આ દરમિયાન, કરીના તાજેતરમાં તપાસ આધારિત ડ્રામા ફિલ્મ ‘દાયરા’માં જોવા મળી હતી. ફિલ્મમાં તે પૃથ્વીરાજ સુકુમારન સાથે પોલીસ અધિકારીની ભૂમિકામાં છે.

