New Delhi,તા.01
આગામી તા.18 જૂનના યોજાનારી રાજયસભાની 24 બેઠકો માટે ઉમેદવારો નિશ્ચિત કરવા તથા જે રાજયોમાં ભાજપ સાથી પક્ષની મદદથી કે ક્રોસ વોટીંગથી બેઠક જીતી શકે છે તે અંગે વ્યુહ નિશ્ચિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ એક બેઠક શનિવારે દિલ્હીમાં મળી હતી.
જેમાં શ્રી અમીત શાહ, રાજનાથ સિંઘ, રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન તથા રાજયસભામાં પક્ષના નેતા શ્રી જે.પી.નડ્ડા હાજર હતા. આ ચુંટણીમાં ભાજપના 11 સભ્યો નિવૃત થઈ રહ્યા છે અને પક્ષ આ બેઠકો જાળવી રાખવા આતુર છે. કુલ 24 બેઠકોમાં એનડીએને 17 બેઠકો મળી શકે છે.
ગુજરાતમાં ભાજપ તમામ ચાર બેઠકો બિનહરીફ જીતી શકે છે. જયારે મધ્યપ્રદેશમાં ત્રણમાંથી બે રાજસ્થાનમાં ત્રણ અને આંધ્રપ્રદેશમાં 1 બેઠક માટે ટીડીપી કે જનસેના પાર્ટીનો ટેકો જરૂરી બનશે તો મણીપુરમાં બે અરૂણાચલમાં એક અને કર્ણાટકમાં ભાજપને એક બેઠક જીતવાની આશા છે.
આ ઉપરાંત બિહાર તથા અન્ય રાજયોમાં વિધાન પરિષદની ચુંટણીઓ પણ યોજાવાની છે. જેમાં મહારાષ્ટ્રમાં પક્ષે વિધાન પરિષદના નામોને મંજુરી આપી છે. બિહારમાં નીતિશકુમારે ખાલી કરેલી બેઠક પર તેમના પુત્ર નિશાંતકુમારને બેઠક ફાળવાશે.
આંધ્રપ્રદેશમાં ચાર બેઠકોમાં ત્રણ ટીડીપી અને એક ભાજપને ફાળે આવે તેવો વ્યુહ નંદાબાપુ નાયડુની સંમતીથી નિશ્ચિત કરાયા છે. જેમાં ટીડીપી એક બેઠક જનસેના પાર્ટીને આપશે. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે અલગથી પણ બેઠક યોજી ખાસ કરીને ગુજરાતમાં તમામ ચાર બેઠકો ભાજપની નિશ્ચિત જીત છે.
મોદી-શાહ જ ગુજરાતના નામો નકકી કરશે. હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતમાં હતા તથા તેઓએ કમલમમાં બેઠક યોજી ઉપરાંત કચ્છના પ્રવાસમાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સામેલ હતા. આમ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. ભાજપના જે ત્રણ સભ્યો નિવૃત થઈ રહ્યા છે તેઓને રિપીટ કરવાની શકયતા નહીવત છે. તેની ગુજરાતમાં પણ હવે કોને પસંદ કરે તેની ઉતેજના છે.
આ ઉપરાંત પ.બંગાળમાં મંત્રીમંડળ વિસ્તરણ પણ થવાનું છે તેની ચર્ચા પણ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ મણીપુરના પુર્વ મુખ્યમંત્રી એન.બિરેનસિંઘને રાજયસભા બેઠક ઓફર કરશે તો નિવૃત થઈ રહેલા બે કેન્દ્રીય મંત્રી જયોર્જ કુરીયન અને રવનીતિસિંહ બિટુને ફરી રિપીટ કરશે. પંજાબમાં આગામી સમયમાં ચુંટણી છે તે જોતા બિટુને ફરી તક મળશે.

