(આલેખન નિમેશ ગોંડલીયા )
આજના સમયમાં શહેરી વિસ્તારો માટે કચરાનો યોગ્ય નિકાલ એ સૌથી મોટો પર્યાવરણીય અને વહીવટી પડકાર બની ચૂક્યો છે. શહેર બહાર ઊભા થતા કચરાના વિશાળ પહાડોજેને આપણે ડમ્પિંગ સાઇટ તરીકે ઓળખીએ છીએતે જમીન, ભૂગર્ભ જળ અને વાતાવરણને સતત ઝેરી બનાવી રહ્યા છે. શહેરોમાં ઉત્પન્ન થતા કચરામાં ૫૦ થી ૬૦ ટકા હિસ્સો ભીનો એટલે કે જૈવિક કચરો હોય છે. જો આ સમસ્યાના મૂળ પર જ પ્રહાર કરવામાં આવે, તો ‘‘વિકેન્દ્રીકૃત કચરા વ્યવસ્થાપન‘‘ થકી કચરાને કંચન બનાવી શકાય છે.
ઘરઆંગણે ગ્રાઇન્ડિંગ એક નવીન વિચાર
સામાન્ય રીતે ઘરઘરથી કચરો એકઠો કરી તેને સીધો ડમ્પિંગ સાઇટ પર ફેંકવામાં આવે છે. તેના બદલે, જ્યારે કચરો એકત્રિત કરતી ગાડી સોસાયટી કે ઘરઆંગણે આવે, ત્યારે જ તેના પર લગાવેલા નાના અને કાર્યક્ષમ કચરો ગ્રાઇન્ડ કરવાના મશીન વડે ભીના કચરાને તાત્કાલિક ક્રશ કરી દેવામાં આવે.
ક્રશ થયેલો કચરો વિશિષ્ટ એરેટેડ (હવાની અવરજવર ધરાવતી) બેગમાં ભરીને એકત્રિત કરવામાં આવે. આ સમગ્ર પ્રક્રિયાથી કચરા વ્યવસ્થાપનમાં નીચે મુજબના મોટા ફેરફારો જોવા મળશે
* કચરાના જથ્થામાં ૮૦% સુધીનો ઘટાડો ભીના કચરાને પીસી નાખવાથી તેનું કદ ઘણું નાનું થઈ જાય છે, જેથી કલેક્શન વાહનોની ક્ષમતા વધે છે અને વારંવાર ટ્રીપ મારવાનો ખર્ચ બચે છે.
* ઝડપી ડીકમ્પોસ્ટિંગ પ્રક્રિયા આખો કચરો સડવામાં મહિનાઓ લાગે છે, જ્યારે બારીક ક્રશ થયેલા કચરા પર બેક્ટેરિયા ઝડપથી પ્રક્રિયા કરે છે. માઇક્રોબાયલ કલ્ચર ઉમેરવાથી માત્ર ૧૫ થી ૨૦ દિવસમાં ઉત્કૃષ્ટ સેન્દ્રિય ખાતર તૈયાર થઈ જાય છે.
* ગંધ અને ગંદકીમાંથી મુક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિથી બેગિંગ કરવાથી કચરો સડતી વખતે આવતી તીવ્ર દુર્ગંધ અને લીકેજની સમસ્યા નાબૂદ થાય છે.
ડમ્પિંગ સાઇટ્સ પર રાહત અને પર્યાવરણીય સુરક્ષા
ડમ્પિંગ સાઇટ્સ પર ભીનો કચરો પ્લાસ્ટિક સાથે ભળીને સડે છે ત્યારે તેમાંથી અત્યંત જોખમી મિથેન ગેસ ઉત્સર્જિત થાય છે, જેના કારણે વારંવાર આગ લાગે છે. જો ભીનો કચરો ડમ્પિંગ યાર્ડ સુધી પહોંચે જ નહીં, તો મોટા પહાડો આપોઆપ અદ્રશ્ય થવા લાગશે અને પ્રદૂષણમાં ભારે ઘટાડો થશે.
ખેડૂતો માટે સમૃદ્ધિ અને આર્થિક ઉપાર્જન
તૈયાર થયેલું સેન્દ્રિય ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. લાંબા ગાળે આ ખાતર સ્થાનિક ખેડૂતોને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવી શકાય છે. રાસાયણિક ખાતરોથી બંજર બનતી જમીનને પુનર્જીવિત કરવામાં આ ઓર્ગૅનિક ખાતર અમૂલ્ય સાબિત થશે. સાથે જ, નગરપાલિકાઓ અને કચરો એકત્રિત કરતી એજન્સીઓ માટે તે નિયમિત આવકનો સ્ત્રોત પણ બની શકે છે.
અમલીકરણ માટે જરૂરી પગલાં આ વિચારને જમીની સ્તરે સફળ બનાવવા માટે બે બાબતો અનિવાર્ય છે
૧. સ્રોત પર વર્ગીકરણ નાગરિકો સૂકો અને ભીનો કચરો ૧૦૦% અલગ આપે તે સુનિશ્ચિત કરવું પડશે, જેથી મશીનની કામગીરી સરળ રહે.
૨. ટેકનોલોજીકલ સહયોગ વાહનોની બેટરી કે એન્જિન સાથે સુસંગત નાના કદના અને ઓછા વીજ વપરાશવાળા ગ્રાઇન્ડર મશીનોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવું.
કચરાને બોજ માનવાને બદલે સંસાધન ગણીને ઘરઆંગણે જ તેની પ્રક્રિયા શરૂ કરવી એ સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત ભારતના નિર્માણ તરફનું એક નક્કર પગલું સાબિત થઈ શકે છે.

