Porbandar, તા.4
કુતિયાણામાં એક વર્ષ પૂર્વે ગુમ થયેલા યુવકના કેસનો ભેદ ઉકેલાયો છે. જે મામલે પોલીસે ખુલાસો કર્યો છે કે ચૌટા ગામના આ યુવાન ની હત્યા તેમના જ મિત્ર અને માલિક માલદે દેવાભાઈ નંદાણીયાએ કરી હતી. આ કેસ શરૂઆતમાં ગુમશુદાની ફરિયાદ તરીકે નોંધાયો હતો.
મૂળ પાનેલીના રહેવાસી નરેન્દ્ર ઉર્ફ ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણીયા જે ચોટા ગામે માલદે નંદાણીયાની દુકાને કામ કરતા હતા, તેઓ એક વર્ષ પહેલા અચાનક ગુમ થઈ ગયા હતા. લાંબી તપાસ બાદ પોલીસને બાતમી મળી હતી કે નરેન્દ્ર અને માલદે વચ્ચે સોનલ માતાજીના મઢડા ગામે બીજ ભરવા જવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને આ બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી.
ત્યારે માલદે નંદાણીયાએ પોતાના મકાનના ફળીયામાં પડેલા પથ્થરથી નરેન્દ્રના માથામાં ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે નરેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહનો નિકાલ કરવાનો આ શખ્સે પ્રયાસ કર્યો હતો.
તેણે લાકડા અને પેટ્રોલની મદદથી મૃતદેહને સળગાવી દીધો હતો. ત્યારબાદ બચેલી રાખ અને અસ્થિઓને કોથળામાં ભરી ભાદર નદીમાં વહાવી દીધી હતી, મૃતકના પિતા ગોવિંદભાઈ વિસાભાઈ મેથાણીયાની ફરિયાદના આધારે કુતિયાણા પોલીસે માલદે દેવાભાઈ નંદાણીયા વિરૂધ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધ્યો છે.

