New Delhi, તા.17
આ વર્ષે ક્રિકેટ ટી20 વર્લ્ડકપમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાએ ગઇકાલે વધુ એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ આ ટીમ પર હવે ટુર્નામેન્ટથી બહાર થવાનો ખતરો વધી ગયો છે.
જો હવે મંગળવારે ઝિમ્બાબ્વે આયર્લેન્ડને મ્હાત આપે તો ઑસ્ટ્રેલિયાની સફર અહીં જ પૂર્ણ થઈ જશે. જો ઝિમ્બાબ્વે આગામી બે મેચ હારે તો જ ઑસ્ટ્રેલિયા આગળ જઈ શકશે.
ટુર્નામેન્ટમાં લીગ સ્ટેજમાં જ નેપાળ, ઓમાન અને નામીબિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે. ભારત સામે પરાજય બાદ પાકિસ્તાનની સ્થિતિ પણ સારી નથી. તે ગ્રુપ-અમાં ત્રીજા સ્થાન પર છે. જો હવે છેલ્લી લીગ મેચમાં પણ જીત ન મળી તો પાકિસ્તાન પણ ટુર્નામેન્ટથી બહાર થઈ શકે છે.
બીજી તરફ નેધરલેન્ડનો ભારત સાથે મુકાબલો થવાનો છે. એવામાં જો આ મેચમાં ભારતનો વિજય થયો તો નેધરલેન્ડ પણ સુપર-8ની રેસમાંથી લગભગ બહાર જ થઈ જશે. ગ્રુપ-બીમાં આયર્લેન્ડ ત્રણમાંથી એક જ મેચ જીતી શકી છે.
જ્યારે સ્કોટલેન્ડને હજુ સુધી એક પણ જીત હાંસલ થઈ નથી. પાછલા ટી20 વર્લ્ડકપમાં સેમિફાઈનલ સુધી પહોંચનારી અફઘાનિસ્તાનની ટીમ પણ આ વર્ષે નિરાશાજનક દેખાવ કરી રહી છે.

