રાજસ્થાની સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડની પણ ધરપકડ : પીસીબી ટીમની કાર્યવાહી
Rajkot,તા.24
આંતરરાજ્ય દારૂના વેંપલાનું નેટવર્ક ધરાવતો લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધીને અંતે રાજસ્થાન નજીક અમીરગઢ બોર્ડર પાસેથી પીસીબીની ટીમે અંતે દબોચી લીધો છે. બુટલેગરની સાથે હાજર રાજસ્થાની દારૂના સપ્લાયરને પણ દબોચી લેવાયો છે. દારૂ સહિતના 35 થી વધુ ગુનામાં સંડોવાયેલ અને સાત વાર પાસા કાપી ચૂકેલા બુટલેગર ફિરીયા વિરુદ્ધ આકરા પગલાં લેવા તજવીજ શરૂ કરી દેવાઈ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તાજેતરમાં જ કુવાડવા નજીક આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ગોડાઉનમાં દરોડો પાડી રૂ. 70.38 લાખનો દારૂ ઝડપી લીધો હતો. જે દરોડાએ શહેર પોલિસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. એસએમસીના દરોડા બાદ મોટા ધડાકા થયાં હતા. બુટલેગર ફિરોઝ સંધીએ કુવાડવા વિસ્તારમાં જ અગાઉ બે વાર દારૂનું કટીંગ કરી નાખ્યાની કેફિયત આપતાં પોલીસ કમિશ્નરે આકરા પગલાં લેતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ વી આર વસાવાને સસ્પેન્ડ કરી દીધા હતા, જયારે બીટ જમાદાર સામે તપાસના આદેશ આપ્યા હતા. બીજી બાજુ એસએમસીએ મોટાપાયે દારૂનો જથ્થો ઝડપી લેતા શહેર પોલિસની મહત્વની બ્રાન્ચની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા હતા. પીસીબી ટીમે રાજસ્થાન નજીક અમીરગઢ બોર્ડર પાસેથી લિસ્ટેડ બુટલેગર ફિરોઝ હાસમભાઈ મેણું (સંધી) (રહે. રાજકોટ)ની ધરપકડ કરી હતી. સાથોસાથ પીસીબી ટીમે જયા એસએમસીએ દરોડો પાડ્યો હતો ત્યાં જ આર કે ઇન્ડસ્ટ્રીઝ ઝોન નં.-9 માં પ્લોટ નં.-4 ખાતે શ્રી રામદેવ નામના ગોડાઉનમાંથી ફિરીયાએ છુપાવેલો રૂ. 3.32 લાખનો શરાબ ઝડપી લીધો હતો. જે શરાબનો જથ્થો મોકલનાર રાજસ્થાની સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડની પણ ધરપકડ કરી લીધી હતી. લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી અને રાજસ્થાની સપ્લાયરને રાજકોટ ખાતે લઈ આવવામાં આવ્યા છે. ફિરોઝ સંધી અગાઉ દારૂ સહિતના 35 ગુનાઓમાં સંડોવાયેલ હોય અને સાત વાર પાસા કાપી ચુક્યો હોય પોલીસે હવે તેના વિરુદ્ધ આકરા પગલાં લેવા તજવીજ હાથ ધર્યાનું જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

