માત્ર ૩૦ મિનિટની અંદર જ પાણીનો નિકાલ કરીને પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો
New Delhi, તા.૧૨
મંગળવારે અચાનક થયેલા ભારે વરસાદને કારણે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ અને પાર્કિંગ વિસ્તારને જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું. જોકે, પાણી ભરાવાની આ ઘટના સામે આવતા જ એરપોર્ટ પ્રશાસને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને માત્ર ૩૦ મિનિટની અંદર જ પાણીનો નિકાલ કરીને પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.એરપોર્ટ ઓથોરિટીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, જળબંબાકારની સ્થિતિ દરમિયાન વાહનોને વૈકલ્પિક રસ્તેથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જેના કારણે વિમાની સેવાઓ કે મુસાફરોની અવરજવર પર કોઈ વિપરીત અસર પડી નથી અને હાલ એરપોર્ટ પર સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે.અચાનક પડેલા ભારે વરસાદને કારણે ટર્મિનલ અને પાર્કિંગ વચ્ચે પાણી ભરાયું હતું, પરંતુ એરપોર્ટ ટીમોએ સક્રિયતા દાખવીને અડધા કલાકથી પણ ઓછા સમયમાં પાણી સાફ કરી દીધું હતું. આ સમયગાળા દરમિયાન ફ્લાઈટ્સ અને પેસેન્જર પિક-અપ સુચારૂ રીતે ચાલુ રહ્યું હતું. પાણીનો નિકાલ થયા બાદ વાહનો અને મુસાફરો માટે રસ્તો ફરીથી શરૂ કરી દેવાયો છે, તેમ છતાં પ્રશાસન હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.બીજી તરફ, એરપોર્ટ પર પાણી ભરાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ રાજકારણ પણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. છછઁએ આરોપ લગાવ્યો હતો કે, આશરે ૧૧,૨૦૦ કરોડના ખર્ચે બનેલા આ એરપોર્ટની પહેલા જ વરસાદમાં પોલ ખૂલી ગઈ છે. પાર્ટીએ આ ઘટનાને નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આશરે ૧૧,૨૦૦ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૫ જૂનથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સની શરૂઆત સાથે અહીં કોમર્શિયલ કામગીરી અને ઉડાન સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું.

