New Delhi તા.19
એક તરફ પાકિસ્તાન કબ્જાના કાશ્મીરમાં આંતરિક બળવો વધુ ઉગ્ર બની રહ્યો છે તે સમયે જ ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જીયો ગોરએ કાશ્મીરની મુલાકાત લેવાની જાહેરાત કરતા જ પાકિસ્તાન ચોંકી ઉઠયું છે. શ્રી ગોર કાશ્મીરમાં ઉપરાજયપાલ મનોજસિંહા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને પણ મળશે તથા રાજયના કેટલાક વિસ્તારોમાં પ્રવાસ પણ કરશે.
આમ અમેરિકાએ કાશ્મીર અંગે તેમનું વલણ બદલ્યુ હોવાના સંકેત છે. જો કે અગાઉ પણ અમેરિકી રાજદૂતો કાશ્મીરનો પ્રવાસ કરી ચૂકયા છે અને ભારત સરકારે પણ કલમ 370ની નાબુદી બાદ વિદેશી રાજદૂતોને કાશ્મીરનો પ્રવાસ કરાવ્યો હતો પણ હાલ જે રીતે પાક કબ્જાના કાશ્મીરમાં ભારે આંતરિક અસંતોષ છે તે ભૂમિકાના ભાગરૂપે અમેરિકી રાજદૂતની મુલાકાતને જોવાઈ રહી છે.
અગાઉ 1995માં અમેરિકી રાજદૂત ફ્રેન્ક વીજનરે કાશ્મીરની મુલાકાત લીધી હતી. અને ત્યારબાદ 2002માં વધુ એક રાજદૂત કાશ્મીર ગયા હતા પણ માનવામાં આવે છે કે કાશ્મીર મુદે અમેરિકાએ પાકિસ્તાન સાથે રહેવાને બદલે ભારત સાથે રહેવાનું વધુ પસંદ કર્યુ છે અને છેલ્લે 2020માં અમેરિકી રાજદૂત અન્ય દેશોના રાજદૂતો સાથે કાશ્મીર ગયા હતા. આમ છ વર્ષ પછી પ્રથમ મુલાકાતને મહત્વ અપાઈ રહ્યું છે.

