New Delhi તા.19
ભારતમાં ડીજીટલ યુગમાં પણ રોકડાનો વ્યવહાર ‘સદાબહાર’ છે ત્યારે સરકયુલેશનમાં રહેલા રૂપિયા સતત વધી જ રહ્યા છે. હવે દુનિયાના મોટાભાગના દેશોમાં ઉપયોગમાં લેવાતા અમેરિકન ચલણ ડોલર કરતા પણ ભારતીય રૂપિયાનુ સરકયુલેશન વધી ગયુ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર શીરીષચંદ્ર મુર્મુએ કહ્યું કે અમેરિકી ડોલર કરતા ત્રણ ગણી અને યુરો નોટની સરખામણીએ છ ગણી રૂપિયાની નોટો ચલણમાં છે. ચલણી નોટોની સંખ્યા જીડીપી વિકાસ, મોંઘવારી, વ્યાજદર સહિતના પરિબળોને આધિન હોય છે. રિઝર્વ બેંક હવે પોલીમરની નોટો ચલણમાં મુકી તેનુ આયુષ્ય વધારવા સાથે નોટો પાછળ થતા ખર્ચ પર અંકુશ મુકવા માંગે છે.
તેઓએ કહ્યું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં જુદી-જુદી છ રકમની 28થી30 અબજની નોટો વાર્ષિક ધોરણે સરકયુલેશનમાં મુકવામાં આવી હતી. જયારે દર વર્ષે સરેરાશ 21 અબજ નોટો રદીમાં ગઈ હતી. વર્તમાનમાં 176 અબજ બેંકનોટ ચલણમાં છે. અમેરિકાના ડોલરની વાત કરવામાં આવે તો ગત વર્ષના અંતે 56 અબજ ડોલર નોટ તથા 30 અબજ યુરો નોટ સરકયુલેશનમાં હતી.
કેશ મેનેજમેન્ટ કોન્ફરન્સમાં તેઓએ કહ્યું કે ચલણી નોટોની સંભવિત ડીમાંડ વિશે રિઝર્વ બેંકે પાંચ વર્ષ એડવાન્સ પ્લાનીંગ કરે છે. ડીજીટલ પેમેન્ટ-વ્યવહારોમાં મોટી વૃદ્ધિ હોવા છતાં રોકડની ડીમાંડ સતત વધી રહી છે. પ્રતિ વ્યક્તિ રોકડ વ્યવહારમાં ઘટાડો હોવા છતાં રોકડ ચલણી નોટોની ડિમાંડ દર વર્ષે ડબલ ડીજીટમાં વધારો સૂચવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં ચલણી નોટોની ભાવિ ડિમાંડ પારખવાનુ વધુને વધુ મુશ્કેલ બની ગયુ છે.
સરકાર અને રિઝર્વ બેંકના જ અંકુશ હેઠળના ચાર કરન્સી પ્રિન્ટીંગ પ્રેસમાં દર વર્ષે સરેરાશ 28થી30 અબજ નોટો બને છે. પેપર મીલ તથા નોટમાં વપરાતી શાહી બનાવવાની ફેકટરી પણ પોતાની જ છે. રિઝર્વ બેંકે 1999માં કલીન નોટ પોલીસી અમલમાં મુકવામાં આવી હતી. નાગરિકોને સારી સુઘડ નોટો મળે તેવો ઉદેશ હતો અને તે અંતર્ગત રદી નોટો પાછી ખેચી લેવામાં આવતી હતી.
રિઝર્વ બેંક 19 પ્રાદેશિક કચેરીઓ તથા કરન્સી ચેસ્ટ નેટવર્ક મારફત સરકારી-સહકારી બેંકો તથા સરકારી ટ્રેઝરીને નોટો મોકલાવે છે. બેંકોની બ્રાંચ તથા અઢી લાખ એટીએમ મારફત તે નાગરિકો સુધી પહોંચે છે.

