Patan,તા.૨૭
પાટણ જિલ્લાના ચાણસ્મા વિસ્તારમાં જમીન વિવાદને લઈને થયેલી હત્યાના ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે મુખ્ય આરોપી અકબર સોલંકીને કોઈ રાહત આપી નથી. ૬૦ વર્ષીય આરોપીની નિયમિત જામીન અરજી ફગાવી દેતા કોર્ટે નોંધ્યું કે કેસની પરિસ્થિતિમાં કોઈ એવો ફેરફાર થયો નથી કે જેના આધારે તેમને જામીન આપવામાં આવે. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરી હતી.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે અકબર સોલંકી છેલ્લા બે વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને તેમની ઉંમર આશરે ૬૦ વર્ષ હોવાથી માનવતાના ધોરણે જામીન આપવા જોઈએ. વકીલે એવો પણ દાવો કર્યો કે આરોપી સામે સીધી રીતે ઘટનાસ્થળે હાજર હોવાનો પુરાવો નથી અને માત્ર ફોન કોલ્સના આધારે તેમને કાવતરામાં સામેલ ગણાવવામાં આવ્યા છે. સાથે જ અન્ય સહ-આરોપીઓને નીચલી અદાલતે જામીન આપ્યા હોવાથી સમાનતાના ધોરણે તેમને પણ રાહત મળવી જોઈએ.
સરકારી વકીલ અને ફરિયાદી પક્ષે જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવ્યું કે જે જમીનને લઈને સમગ્ર વિવાદ સર્જાયો હતો તે જમીન અકબર સોલંકી અને તેમના પુત્રની સંયુક્ત માલિકીની હતી. તેથી ગુનો આચરવાનો સૌથી મજબૂત હેતુ તેમની પાસે હતો. દલીલમાં જણાવાયું કે ઘટના દરમિયાન તેઓ સતત ફોન દ્વારા અન્ય આરોપીઓના સંપર્કમાં હતા અને સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હતા.
કેસની વિગતો અનુસાર, જમીનની ફેન્સિંગ કરવા ગયેલા મૃતક અને ફરિયાદી પક્ષ પર પૂર્વ આયોજન મુજબ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન મૃતકને માર માર્યા બાદ તેના પર ફોર વ્હીલર વાહન ચઢાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાને ગંભીર સ્વરૂપની ગણાવીને હાઇકોર્ટે કહ્યું કે કેસના મુખ્ય સુત્રધાર તરીકે અરજદારની ભૂમિકા પ્રાથમિક દૃષ્ટિએ સામે આવે છે.
ગુજરાત હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટ અગાઉ જામીન અરજી ફગાવી ચૂકી છે અને ત્યારબાદ કેસમાં કોઈ નોંધપાત્ર બદલાવ આવ્યો નથી. અન્ય સહ-આરોપીઓને જામીન મળ્યા હોવાના આધારે મુખ્ય આરોપીને સમાનતાનો લાભ આપી શકાય નહીં. આ કારણોસર કોર્ટે અકબર સોલંકીની જામીન અરજી ફગાવી દીધી.

