Mumbai,તા.27
ઓટીટીની દુનિયામાં કેટલાય મોટા ફિલ્મ સ્ટાર્સ નવા અને પડકારજનક પાત્રો સાથે કમબેક કરી રહ્યાં છે. હવે બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર એક બિલકુલ નવા અને પહેલાં કરતાં અલગ અંદાજમાં જોવા મળવાની છે. તેમની અપકમિંગ વેબ સિરીઝ `બ્રાઉન’નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું છે, જેણે દર્શકોમાં ઉત્સુકતા વધારી દીધી છે.
ZEE5 ની આ નવી વેબ સિરીઝમાં કરિશ્મા કપૂર એક કડક પોલીસ અધિકારીના પાત્રમાં જોવા મળી રહી છે. આ પાત્ર તેમનાં અત્યાર સુધીના કરિયરથી ઘણું અલગ છે. ટીઝરમાં તેમનાં અંદાજ પરથી સ્પષ્ટ થાય છે કે આ વાર્તા માત્ર સામાન્ય ગુનાની તપાસ પર આધારિત નથી, પરંતુ તેમાં કેટલાય મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક પાસાઓ પણ જોડાયેલાં છે.
કરિશ્માનો નવો અવતાર ઘણો ચોંકાવનારો છે –
ટીઝરમાં કરિશ્મા કપૂરનો લુક પણ ઘણો બદલાયેલો દેખાય છે. તે વધુ રફ, સિમ્પલ અને ગંભીર જોવા મળી રહી છે. તેમનો આ નવો અવતાર દર્શકો માટે ઘણો ચોંકાવનારો છે. તેમના ચહેરાના એક્સપ્રેશન, તેમની બોડી લેંગ્વેજ અને તેમની સ્ક્રીન પ્રેઝન્સ અદ્ભુત છે.
તે જોઈને ફેન્સે કરિશ્માના વખાણ અત્યારથી જ શરૂ કરી દીધાં છે. એક ફેને કહ્યું- જૂના ખેલાડી મેદાનમાં ઉતરી ચૂક્યાં છે. અન્ય એક ફેને કહ્યું- ભાઈસાહેબ `ઓલ્ડ ઈઝ ગોલ્ડ’. એક ફેને કહ્યું- કરિશ્માનું કમબેક સ્ક્રીન પર જોવા માટે હવે વધુ રાહ નથી જોઈ શકતો.

