New Delhi, તા.25
અમેરિકા-ઇરાન વચ્ચેનું યુધ્ધ ખત્મ થવા સાથે હોર્મુઝની ખાડી ખુલી જતાં મહિનાઓથી અટવાયેલા જહાજો લાઇનબંધ બહાર નીકળવા લાગ્યા છે જેને પગલે ક્રૂડ તેલમાં વધુ કડાકો સર્જાયો હતો. ક્રૂડના ભાવ યુધ્ધ પૂર્વેના સ્તરે આવી ગયા છે.
ચારેકોરથી ક્રૂડની સપ્લાય વધવા લાગતા ભાવ હજુ વધુ ઘટવાની સંભાવના છે. આ મંદીથી ભારતને પણ મોટી રાહતો થવાના સંજોગો વચ્ચે પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાની આશા બંધાઇ છે.
ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન વૈશ્વિક સ્તરે બે્રન્ટ ક્રૂડનો ભાવ તૂટીને 70 ડોલર પ્રતિ બેરલની નીચે પણ સરકી ગયો હતો. હાલમાં તે 0.46 ટકાના ઘટાડા સાથે 72.58 ડોલર પ્રતિ બેરલ આ જ રીતે અમેરિકન કાચા તેલના ભાવમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે.
તે હાલ 69.95 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ મોટો ઘટાડો ઉપરાંત ઇરાન સંકટ શરૂ થયા બાદ ક્રૂડ ઓઇલમાં આવેલી તમામ તેજી હવે સંપૂર્ણપણે હવા થઈ ચૂકી છે.
ક્રૂડ ભાવ તૂટવા પાછળનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય ઓઈલ માર્કેટમાં ઈરાનની ફરીથી થયેલી એન્ટ્રી છે. આ ઉપરાંત, હવે અમેરિકા અને ઈરાન વચ્ચે સત્તાવાર સમજૂતી થઈ ગઈ હોવાથી વૈશ્વિક સ્તરે વ્યૂહાત્મક ગણાતી હોર્મુઝની ખાડીમાંથી મોટી સંખ્યામાં ઓઈલ ટેન્કરો પોતાની ટ્રેકિંગ સિસ્ટમ ચાલુ રાખીને સંપૂર્ણ સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે. આ વૈશ્વિક બદલાવને કારણે દુનિયાભરમાં ક્રૂડ સપ્લાય હવે ફરી એકવાર સામાન્ય થવાના માર્ગ પર છે.
ગ્લોબલ માર્કેટમાં આ સમયે ખરીદદારોની ચાંદી છે, કારણ કે ક્રૂડની ઉપલબ્ધતા ધારણા કરતાં ઘણી વધારે વધી ગઈ છે. રિફાઇનિંગ કંપનીઓ અને ખરીદદારોને મધ્ય-પૂર્વથી લઈને પશ્ચિમ આફ્રિકા સહિતના દુનિયાના તમામ મોટા નિકાસકાર દેશો તરફથી ક્રૂડ ઓઇલની નવી-નવી ઓફર્સ મળી રહી છે.
બજારના નિષ્ણાતોના મતે, ઈરાનના વિશાળ ઓઈલ ભંડારની બજારમાં એન્ટ્રી થવાથી આગામી દિવસોમાં સપ્લાય હજુ વધશે અને કિંમતો વધુ નીચે જઈ શકે છે.

