Gir Somnath ,તા.26
ગીર સોમનાથ જિલ્લામાં વીજળી બિલ ના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વેરાવળ ડિવિઝનમાં 78 ટીમોએ એકસાથે મેદાનમાં ઉતરીને બાકીદારોમાં ચકચાર જગાવી છે. કાર્યવાહી દરમ્યાન કુલ 391 બાકીદારોના વીજ જોડાણ નિયમ મુજબ કાપવામાં આવ્યા તેની કુલ બાકી રકમ રૂા.48 લાખ હતી. સાથે સાથે અભિયાન દરમ્યાન 1370 બાકીદારોએ તાત્કાલિક ઓનલાઈન ચુકવણી કરી કુલ રૂા.157.58 લાખ ની રકમ જમા કરાવી હતી.
PGVCL વેરાવળ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર જી.બી. વાઘેલા એ માહિતી આપતા જણાવ્યું કે, વેરાવળ ડિવિઝન હેઠળના સાત વિસ્તારમાં ચેકિંગ અને કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ છે.
જેમાં હાઈ પ્રાયોરિટી યાદીમાં સામેલ અંદાજે 1900 થી વધુ વીજ જોડાણો કાપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. પ્રથમ તબક્કામાં જ રૂા.2.60 કરોડ જેટલી બાકી રકમ ધરાવતા ગ્રાહકો સામે કાર્યવાહી શરૂ થઈ છે. આ કાર્યવાહી આકોલવાડી, પ્રાચી, તાલાલા, સુત્રાપાડા, પ્રભાસ પાટણ, વેરાવળ અને વેરાવળ GIDC જેવા સાતેય સબ-ડિવિઝનમાં એકસાથે 78 ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે. માત્ર વેરાવળ ડિવિઝનનું જ કુલ બાકી લેણું અંદાજે રૂા.19 કરોડ જેટલું છે. આટલી મોટી બાકી રકમ ને કારણે વીજ કંપની પર નાણાકીય દબાણ વધી રહ્યું છે.
ઉનામાં 33 લાખની વસુલાત ઉના 7 સબ-ડિવિઝન હેઠળના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 61 ટીમોએ એકસાથે ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન 564 વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા અને રૂ।3 લાખની વસૂલાત કરવામાં આવી હતી.
લીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થયેલી આ કાર્યવાહીમાં ટીમો ઘરો, ઓફિસો અને સંસ્થાઓ સુધી પહોંચી હતી, ઉનાના વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર રાઠોડે જણાવ્યું હતું કે, 288 વીજ જોડાણનું પુન: જોડાણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 33 લાખની વસૂલાત થઈ છે. PGVCL દ્વારા આગામી બે દિવસ સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને વીજ જોડાણ કપાયા બાદ પણ બિલ ન ભરવા પર દંડનાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

