Junagadhતા.૧૪
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જૂનાગઢ જિલ્લાનું રાજકીય ચિત્ર એકદમ સ્પષ્ટ થઇ ગયું છે. જૂનાગઢમાં જિલ્લા પંચાયતની ૩૦, ૯ તાલુકા પંચાયતની ૧૫૮ અને કેશોદ નગરપાલિકાની ૩૬ બેઠક પર કૂલ ૭૧૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે.
ઉમેદવારી પત્રો ચકાસણી કર્યા બાદ ૨૮૪ જેટલા ઉમેદવારી પત્રો વિવિધ કારણોસર રદ કરવામાં આવ્યા છે. ૧૫ તારીખ સુધીમાં કોઇ પણ ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચે તો ત્યારબાદ ચૂંટણી જંગમાં ઉમેદવારનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ જિલ્લાની ૯ તાલુકા પંચાયતની ૧૫૮ અને કેશોદ નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ તેમજ બાટવા નગરપાલિકાના ૧ વોર્ડની ૧ બેઠક માટે ૭૧૧ ઉમેદવારી પત્રો ચકાસણી બાદ માન્ય રાખવામાં આવ્યા હતા. ૨૮૪ જેટલા ઉમેદવારી પત્રો ટેકનિકલ કે અધૂરી અથવા ઓછી વિગતો સાથે ભરાયેલા હતા જેને રદ કરવામાં આવ્યા છે. ૧૫ તારીખે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઇ રહી છે ત્યારબાદ વાસ્તવિક રીતે ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવાર હશે તે ચિત્ર સ્પષ્ટ થશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ માન્ય અને અમાન્ય ઉમેદવારી પત્રોની વિગતો પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠકો માટે ૧૬૧ ઉમેદવારી પત્ર રજૂ થયા હતા જે ચકાસણી બાદ ૫૬ ઉમેદવારી પત્રો અમાન્ય કે રદ કરવામાં આવ્યા હતા. ૧૦૫ ઉમેદવારી પત્રોને માન્ય રાખવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાની ૯ તાલુકા પંચાયતોમાં ૭૧૪ જેટલા ઉમેદવારી પત્રો રજૂ કરાયા હતા જેમાં ચકાસણી બાદ ૨૧૧ ઉમેદવારી પત્રોને અમાન્ય કે રદ કરવામાં આવ્યા છે જ્યારે ૫૦૩ જેટલા ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા માટે ૧૨૦ ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જેમાં ૧૭ ઉમેદવારી પત્રો ઓછી અધૂરી કે ખોટી વિગતો દર્શાવવાથી તેને અમાન્ય કે રદ કરવામાં આવ્યા છે. ચકાસણી બાદ કેશોદ નગરપાલિકામાં ૧૦૩ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે.

