Mumbai,તા.૮
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ખાતે ‘કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી)ના સ્થાપક અભિજીત દીપકે નીટ-યુજી સહિતની પરીક્ષાઓમાં ગેરરીતિઓને લઈને મહત્વપૂર્ણ માંગ કરી છે. એક પત્રકાર પરિષદને સંબોધતા અભિજીત દીપકેએ કહ્યું હતું કે, પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ માટે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલનનું નેતૃત્વ કર્યાના એક દિવસ બાદ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં.
દીપકેએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એક દાયકાથી દેશની રાજનીતિ માત્ર ‘હિન્દુ-મુસ્લિમ’ એજન્ડા પર કેન્દ્રિત રહી છે. તેમણે સરકારને પ્રાથમિકતાઓ બદલવા અને બેરોજગારી જેવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ માત્ર એક શરૂઆત છે, કારણ કે દેશમાં રોજગાર મુખ્ય મુદ્દો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, અમે શિક્ષણ વ્યવસ્થામાં સુધારા લાવવા માટે એક એજન્ડા તૈયાર કરીશું.
જંતર-મંતરના વિરોધ પ્રદર્શન અંગે દીપકેએ જણાવ્યું હતું કે, આ આંદોલન સફળ રહ્યું છે અને તેમાં ૬,૦૦૦થી ૭,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. અમે આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવીશું અને તેનો આગામી કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરીશું. તેમણે પ્રશ્ન કર્યો હતો કે જો વડાપ્રધાન રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી શકતા હોય, તો શું તેઓ પેપર લીક અટકાવી શકતા નથી?
દીપકેએ સ્પષ્ટ કર્યું હતું કે સીજેપી સંપૂર્ણપણે ‘જનરેશન ઝેડ’ માટે છે અને તે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાશે નહીં. તેમણે વિરોધ કરનારાઓને ‘પાકિસ્તાની’ કહેનારાઓ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. સુરક્ષાના ભાગરૂપે દીપકેના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. મે મહિનામાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલું આ અભિયાન હવે લાખો યુવાનોના સમર્થન સાથે સરકાર સામે એક મજબૂત અવાજ બનીને ઉભરી આવ્યું છે.

