Ahmedabad,તા.23
યોગિની રચિત કાવ્ય સંગ્રહ “મંજરી” માં પુષ્પની પાંદડી પરના
ઝાકળ બિંદુઓની આંતર સંવેદનાનો આભાસ થાય છે
યોગિની એક ઊંચા ગજાની કવયિત્રી છે જેણે જનજીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં રચનાઓ સર્જનો અને પ્રદાન કર્યા છે તેની કૃતિઓ વાંચતા જ જણાય છે કે તેના પર માતા સરસ્વતીની કૃપા છે.યોગીનીના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘શ્વાસ’ની રચનાના લગભગ એક દાયકા બાદ બીજો કાવ્યસંગ્રહ મંજરી પ્રકાશિત થયો છે જેમાં તેણે પ્રેમ, વિરહ, લાગણીઓ, સંબંધો, ઋતુઓ, ભાવનાઓ, સંઘર્ષ, આપવીતી, જીવનની વાસ્તવિકતાઓ, બ્રહ્મતત્વ, તેમ જ ઈશ્વર જેવા વિવિધ વિષયો પર પોતાની કવિતાઓ પ્રસ્તુત કરી છે. અત્રે ઉલ્લેખ અનિવાર્ય બને છે કે યોગિની રચિત “મંજરી” નાં ૧૧૨ પૃષ્ઠોના કાવ્ય સંગ્રહમાં જિંદગીના દરેક પાસાઓની કાવ્યગાથા આલેખી છે. તેમાં દરેક કાવ્યોમાં નિજાનુભવલક્ષી વાતો છે. એમાં કાવ્ય કલ્પનાઓના આશ્રય સાથે જીવનમાં ઘટેલી ઘટનાઓ તેમ જ તેનાં “સિલસિલા” ના સંદર્ભે સૌએ હૃદયપૂર્વક વાંચન કરવું જોઈએ.
‘તારો શ્વાસ’ કાવ્યમાં “મારું જીવન તારા જીવન સાથે મળે”ની પંક્તિઓ ખૂબ જ હૃદયસ્પર્શી છે.”અધૂરી મુલાકાત” માં આંખોથી મળીને છૂટા પડયા એવી અધૂરી મુલાકાત અંતઃકરણને ઝંઝોળે છે.”મારામાં બધું તારું” માં “શ્વાસ મારો,વિશ્વાસ મારો, રટણ એમાં તારું જ છે” જેમાં પ્રેમના અગાધ તેમ જ અતૂટ બંધનની વાત છે. ઈચ્છાઓની યાદી, દર્પણ,મીરાં,એક સુગંધિત શ્વાસ,પાગર્યો છે, પ્રેમ, માયાનો મેઘ, સમજણ વગરની જીવનદોરી, વસંતના વિરહ વગેરેની કાવ્ય રચનાઓમાં જુદી જુદી ભાવનાઓની સંવેદના જોવા મળે છે.”
“મંજરી” કાવ્ય પ્રકાશન નિઃસંદેહ બૃહદ છે. એમાં માનવજીવનના દરેક રસનું આલેખન છે. ‘મંજરી’ કાવ્યસંગ્રહ જિંદગીના દરેક પડાવ અને નિયતિનું સમન્વય છે, જેમાં આંતરિક સંઘર્ષની વાત છે. આ જીવન છે વહી જશે,વહેતુ રહેશે. એટલું જ કહેવાનું કે શરીરનો આધારસ્તંભ “શ્વાસ” છે. આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું પડે. દર્પણમાં રૂપનું દર્શન તો બહુ કર્યું પણ સ્વરૂપનું દર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો ! એક કવિ કહે છે કે “પાંદડું ખરે ને સ્હેજ કંપે છે ડાળ,પછી કુંપળ ફૂટે છે એ જ પ્રીત, એજ “મંજરી” એજ “ગીત.”
“મંજરી” કાવ્યસંગ્રહની રચનાઓનું વાંચન, મનન, મંથન કર્યા પછી એવું લાગે છે કે કવયિત્રી યોગિની, જે વાદળની જેમ બીજા માટે વરસી જવાની ભાવના રાખે છે, નદીની જેમ બીજા માટે અંતરમનથી વહી જવાની તમન્ના રાખે છે. દર્પણની જેમ જેવા હો તેવા જ દેખાડવાની દ્રષ્ટિ રાખે છે અને ગુલાબના ફૂલની જેમ તડકો સહીને ખીલવાની ખેવના રાખે છે.એનાં કાવ્યોમાં “ધૂપસળીની જેમ જાતે બળીને જગતને સુવાસ આપતા શીખો”ની નીતિ જોવા મળે છે. યોગિનીના કાવ્યોમાં આપણાપણાનો આભાસ થાય છે, એનું માનવું છે કે હું કોઈની પાસે આભારની ઉઘરાણી નહિ કરું કારણ કે મારો નિષ્કામ કાવ્ય કર્મ એ જ મારી ભાવના !
‘મંજરી’ કાવ્યસંગ્રહ લોકજીવનનું એ માત્ર અર્થાલંકાર નથી, એ તો કલા અને ગીતરૂપી સાહિત્યનું સંગમ છે. કાવ્યોને માણવા તથા સાંભળવામાં સામાન્ય જનજીવનના સંસ્કાર વિનિમય થાય છે, જેના દરેક કાવ્યોના દરેક પાના પર મારી વાત, તમારી વાત અને સમગ્ર સંસારની અનેક સંવેદનાભરી કાવ્યાત્મક વાતો સ્પષ્ટપણે જોઈ શકાય છે.એવું લાગે છે કે દરેક કાવ્ય યાદોના “ભોજપત્ર” પર લખેલ સંસારકથા અને દરેક પૃષ્ઠ સમયનો શિલાલેખ છે, લાગણીની ભીનાશ છે, આશાઓની વાચા છે જે હૃદયથી હૃદયની શબ્દયાત્રા કરાવે છે. કોરોના પહેલા લખાયેલ યોગિનીના ‘શ્વાસ’ અને કોરોના પછી ‘મંજરી’ બંને કાવ્ય ગાથા જીવનને જાણવા તેમ જ માણવાની પ્રેરણા આપે છે.
‘મંજરી’ની કવિતાનાં સુવર્ણ શબ્દો એ તો આત્મામાં પરમાત્મા, સ્વરમાં ઈશ્વર અને શબ્દોનો સમન્વય છે. લાગે છે કે જાણે ‘મંજરી’ ના કાવ્ય સંગ્રહના કાવ્યોને સાંભળવા સાગરનાં મોજા મીટ માંડીને બેઠા છે. ઘેલીતુર હવાના તરંગો મધુર અવાજ સાથે ‘મંજરી’ના કાવ્યોને માણવા આતુર છે.
અંતે કહેવાનું એટલું જ કે, ‘મંજરી’ કાવ્ય સંગ્રહમાં રોજબરોજની જીવન શૈલીમાં અનુભવાતા થાક, કંટાળો દુઃખદ-સુખદ ઘટનાઓ અને બીબાઢાળ નિત્યક્રમોની નિરસતામાં જોમ-જુસ્સો ભરવાનું કામ કરે છે. કવિતાઓરૂપી સાહિત્ય તો વિસરાયેલા સમયખંડની ઝાંખી છે, એને જેટલો માણવું હોય તેટલું માણી લ્યો. કાવ્યો, કવિતાઓ, ગીતો, લોકગીતો, સંગીતને જેને સમય, સ્થળ કે સીમાડા નડયા નથી. યુગોથી કાવ્ય ગાથાઓએ અવનવા સ્વરૂપે લોક માનસ પર પ્રભાવ પાડ્યો છે. સમયનાં તાલ સાથેની કવિતાઓ, અર્વાચીન કે આધુનિક કોઈપણ લયમાં ગણગણીએ, સાંભળીએ કે પઠન કરીયે. છતાંય એના પરત્વેનું વહાલ જરાય ઓછું નથી થવાનું. ‘મંજરી’ કાવ્ય પ્રકાશન પણ એ જ સુંદર રચનાત્મક રૂપ છે….સ્વરૂપ છે….અનુરૂપ છે. (ભવર કેલ્લા દ્વારા)

